અમદાવાદ શહેરમાં મોટા કારોબારી હોવાની આભા રચીને છેતરપિંડી આચરનારા ઠગોની કોઈ કમી નથી. ષડયંત્ર પુર્વકની ઠગાઈ આચરનારા શખ્શો ઉલ્ટાનુ હવે ધંધાદારીઓને પણ જેલનો ડર બતાવી રહ્યા હોય એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અમદાવાદમાં આનંદનગર પોલીસ સ્ટેશનમાં 8 બિલ્ડર સામે એક શખ્શે ફરિયાદ નોંધાવી હતી. 48 કરોડ રુપિયાથી વધારેની રકમ માંગતો હોવાના આક્ષેપ કર્યા હતા. જોકે હવે મામલો જ્યારે તપાસમાં આગળ વધ્યો તો ખ્યાલ આવ્યો કે ફરિયાદ જ ખુદ આરોપી છે.
ચુનો લગાવનારાઓ ખુદ જ પોલીસ ફરિયાદ કરવા પહોંચી જઈને પોતાની સાથે જ છેતરપિંડી આચરાઈ હોવાના આંસુ સારતા હોય છે. આવા અનેક દાખલા જોવા મળતા હોય છે. આવી જ રીતે અમદાવાદના આનંદનગરમાં કરોડોની રકમને લઈ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે તપાસ પણ શરુ કરી હતી અને એક સાગમટે શહેરના 8 બિલ્ડરોએ ધરપકડને ટાળવા માટે દોડતા થઈ જવુ પડ્યુ હતુ.
ઘટના અંગે આનંદનગર પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. આ દરમિયાન પોલીસે 8 જેટલા બિલ્ડરોના નિવેદન મેળવ્યા હતા, કે જેમની પાસેથી ફરિયાદી રાકેશ શાહે 48 કરોડની રકમ લેવાની નિકળતી હોવાનુ બતાવ્યુ હતુ. જોકે આ દરમિયાન પોલીસને એક બાદ એક બિલ્ડરોના નિવેદન દ્વારા જાણમાં આવ્યુ હતુ કે, ફરિયાદી જ શંકાના દાયરામાં છે. જેને લઈ વધુ વિગતો એકઠી કરતા જ ફરિયાદી આરોપી બન્યો છે. પોલીસે અશોક ઠક્કર નામના બિલ્ડરની ફરિયાદ નોંધી હતી અને રાકેશ શાહની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.
અશોક ઠક્કર પોતે આ 8 પૈકીનો એક છે કે, જેની સામે પણ કરોડોની રકમ લેવાની હોવાનો રાકેશ શાહે ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો. આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો અને બાદમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. પોલીસ ફરિયાદમાં અશોક ઠક્કરે બતાવ્યુ હતુ કે, બાંધકામ સ્કીમની વણ વેચાયેલી પ્રોપર્ટી કુલ 28 કરોડની રાકેશ શાહએ લઈ એકપણ પૈસા ચૂકવ્યા નથી. એટલું જ નહીં આરોપી રાકેશ શાહએ HSBC માં દુબઈ 250 કરોડના ફંડનો બનાવટી લેટર બનાવી પૈસા ફ્રિઝ થઈ ગયા હોવાની કહાની રજૂ કરીને અશોક ઠક્કર પાસેથી 6.75 કરોડ મેળવ્યા હતા.
Published On - 7:33 pm, Tue, 1 August 23