Ahmedabad: ગુજરાતમાં દારૂબંધી હાલ માત્ર કાગળ પર જ રહી ગઈ છે. તેનુ કારણ છે કે ગુજરાતમાં રોજ લાખોની કિંમતનો દારૂ પકડાઈ રહ્યો છે, પીવાઈ રહ્યો છે અને વેચાઈ રહ્યો છે. કેટલાક સ્થળોએ તો ખુલ્લેઆમ પોલીસની રહેમનજર હેઠળ દારૂનો વેપલો ચાલી રહ્યો છે. દારૂ વેચનારા બુટલેગરો પણ નિતનવા કિમીયા અપનાવી દારૂની હેરાફેરી કરતા રહે છે.
દૂધ કે પાણીના ટેન્કરની આડમાં દારૂ છૂપાવવો અથવા તો કારમાં કે અન્ય કોઈ વાહનમાં ચોરખાનું બનાવવું જેવા રસ્તાઓ અપનાવી બુટલેગરો દારૂની હેરાફેરી કરતા હોય છે તો ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ગોડાઉન ભાડે રાખી ત્યાં પણ દારૂ સંતાડતા હોવાના કિસ્સા સામે આવ્યા છે.
અમદાવાદમાં કણભા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ જ પ્રકારે રોડ સેફ્ટીના સાધનોના ગોડાઉનની આડમાંથી લાખોની કિંમતનો દારૂ ઝડપાયો છે.ગોડાઉનમાં પહેલી નજરમાં કોઈને પણ ખ્યાલ ન આવે તે રીતે સંતાડ્યો હતો દારૂ પણ પોલીસની નજરથી બચી ન શક્યા. કણભામાં આવેલા ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉનમાં ફાયર સેફટીના સાધનોની આડમાં મોટી માત્રામાં દારૂ છુપાવવામાં આવ્યો હતો. પોલીસે લાખો રૂપિયાનો દારૂ કબજે કર્યો.
આમ તો દારૂની હેરાફેરી માટે બુટલેગર અનેક કિમિયાઓ અપનાવે છે. અમદાવાદ જિલ્લાના કણભા પોલીસ મથક વિસ્તારમાં આવેલા ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ માં આવેલા વિભાગ-4 ના 66 નંબરના શેડના ગોડાઉનમાં દારૂનો મસમોટો જથ્થો સંતાડ્યો હોવાની પોલીસને માહિતી મળી હતી. જેના આધારે પોલીસે ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા.
ગોડાઉનમાં તપાસ કરતા પહેલી દ્રષ્ટિએ તો ફાયર સેફટીના સાધનો હોવાનું સામે આવ્યું હતું પરંતુ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા ફાયર સેફ્ટીના સાધનોની આડમાં દારૂનો જથ્થો પણ સંતાડવામાં આવ્યો હતો. પોલીસે ગોડાઉનમાંથી કુલ નાની મોટી વિદેશી દારૂની 7.37 લાખથી વધુની કિંમતની 6684 બોટલ કબજે કરી છે. આ ઉપરાંત સુપર કેરી વાહન તેમજ ફાયર સેફ્ટીના સાધનો મળી કુલ સાડા નવ લાખથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો છે.
આ પણ વાંચો : Surat: પોલીસકર્મીની કારમાંથી ઝડપાયો દારૂ, SMCના પાર્કિંગમાં છૂપાવી દીધી, Video
હાલ તો પોલીસે મોટી માત્રામાં દારૂનો જથ્થો તો પકડી પાડ્યો છે પરંતુ ગોડાઉન કોણે ભાડે રાખ્યું છે આ ઉપરાંત દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો છે તેમજ દારૂનો જથ્થો લેવા આવનાર કોણ વ્યક્તિ હતું તેની તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે જે રીતે ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ અને ગોડાઉનમાં માલસામાનની હાડમાં દારૂના જથ્થા સંતાડવાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈને પોલીસ પણ હવે સતર્ક બની છે અને સમયાંતરે આ પ્રકારના ગોડાઉનની પોલીસ દ્વારા ચકાસણી પણ કરવામાં આવી રહી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 10:30 pm, Fri, 25 August 23