અમદાવાદમાંથી(Ahmedabad) ફરી એક વખત નશાનો કાળો કારોબાર પકડાયો છે. શહેરના નારોલ વિસ્તારનાં લાંભા ટર્નિગ પાસેથી એક શખ્સ 6 લાખથી વધુના 4.20 કિલો ચરસના(Drugs)જથ્થા સાથે પોલીસે પકડી પાડયો છે. જેમાં પોલીસે ધરપકડ કરેલા આરોપીનું નામ છે મોહમ્મદ કાસીમ મધીયા છે. આ આરોપી પાસેથી પોલીસે ચરસનો 4.20 કિલો ચરસનો જથ્થો કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને ચોક્કસ હકીકત મળી હતી કે નારોલ લાંભા ટર્નિગ પાસેથી એક શખ્સ રાજકોટમાં ચરસનો જથ્થો આપવા જવાનો છે. આ હકીકત આધારે પોલીસે વોચ ગોઠવી મોહમદ હાસીમને ઝડપી પાડયો હતો. જેની પાસેથી 6 લાખથી વધુની કિંમતનો ચરસનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે.
જેમાં પકડાયેલા આરોપી મોહમ્મદ આસિફ મૂળ જુનાગઢ જિલ્લાનો રહેવાસી છે અને છેલ્લા ઘણા સમયથી મુંબઈમાં રહેતો હોવાનું સામે આવ્યુ છે. જોકે આરોપી હાસીમની પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા એ પણ સામે આવ્યું કે આ ચરસનો જથ્થો લેવા માટે જ પોતે અમદાવાદ આવ્યો હતો અને રાજકોટમાં ડિલિવરી આપવાનો હતો. પણ તે પહેલાં જ પોલીસે તેને ઝડપી લીધો છે. મહત્વનું છે કે મોહમ્મદ હાસીમ રાજકોટમાં હિદાયતખાન પઠાણ નામના વ્યક્તિને આ ચરસ આપવા માટે નીકળ્યો હતો અને જમ્મુ કાશ્મીર થી રમીઝ ડાર પાસેથી આ જથ્થો મંગાવવામાં આવ્યો હતો. ચાર કિલો ચરસ રાજકોટ પહોંચાડવા માટે કેરિયર તરીકે મોહમદ હાસીમને લાખો રૂપિયા મળવાના હતા. ત્યારે હાલ તો પોલીસે ચરસ મંગાવનાર તેમજ ચરસ આપનાર બંને વોન્ટેડ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
આ અંગે પોલીસે હાલ તો કાયદેસરની ફરિયાદ નોંધી આરોપી મોહમદ હાસીમને પકડી વધુ તપાસ વટવા પોલીસને સોપી છે. ત્યારે મોહમ્મદ હાસીમ પ્રથમ વખત જ ચરસનો જથ્થો આપવા લાગ્યો હોવાનું રટણ કરી રહ્યો છે પરંતુ અગાઉ પણ નશાના સામાનની હેરાફેરી કરી ચૂકયા હોવાની આશંકા સેવાઈ રહી છે પરંતુ આ તમામ સવાલોના જવાબ ચરસનો જથ્થો આપનાર જમ્મુ કાશ્મીરના રમીઝ ડાર અને રાજકોટમાં ચરસ લેનાર હિદાયતખાન પઠાણની ધરપકડ બાદ મળી શકે તેમ છે.