
પાલડીની નવચેતન સ્કૂલમાં (School) વાલીઓનો હોબાળો કર્યો હતો. સ્કૂલ દ્વારા કેજીના વર્ગો બંધ કરાતા વાલીઓ રોષે ભરાયા હતા. સ્કૂલ દ્વારા બે દિવસ પહેલા વાલીઓને મેસેજ કરી બાલવાડી વિભાગ સિનિયર અને જુનિયર કેજીના વર્ગ બંધ કરવા જાણ કરાઈ હતી.
પાલડીની નવચેતન સ્કૂલમાં વાલીઓનો હોબાળો
કેટલાક વાલીઓએ ફી (Fee) પણ ભરી દીધી છે, ત્યારે સ્કૂલ દ્વારા અચાનક વાલીઓને બાલ વર્ગ બંધ કરવામાં આવ્યો હોવાથી પુસ્તકો નહીં ખરીદવા અને બીજી સ્કૂલમાં પ્રવેશ મેળવવા જાણ કરવામાં આવતા વાલીઓએ હોબાળો કર્યો હતો. વર્ગ બંધ કરવાના મેસેજના કારણે વાલીઓ મોટી સંખ્યામાં સ્કૂલે પહોંચ્યા હતા. વાલીઓએ હોબાળો કરી કે જીના વર્ગો ચાલુ રાખવા માગ કરી હતી.
વાલીઓના વિરોધને કારણે સંચાલકોએ બાલ વર્ગ ચાલુ રાખવા ખાતરી આપી છે. જે વાલીઓની ફી બાકી છે તેમને 15 જૂન સુધીમાં ફી ભરવાનો સમય આપવામાં આવ્યો છે. 15 જૂન સુધીમાં જે વાલીઓ ફી નહીં ભરે તે વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ્દ કરવામાં આવશે. બાલ વર્ગમાં મોટા ભાગના વાલીઓની ફી બાકી છે.
દોઢ વર્ષથી ઓનલાઇન શિક્ષણને કારણે વાલીઓ ફી ભરતા નથી. ફી બાકી હોવાથી વાલીઓ બાળકોના પરિણામ લેવા પણ શાળામાં આવતા નથી. જેના કારણે સ્કૂલ દ્વારા બાલ વર્ગ બંધ કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે વાલીઓનો હોબાળો અને ફી ભરવાની તૈયારી બાદ સંચાલકોએ બાલ વર્ગ શરૂ રાખવા ખાત્રી આપી છે.