ગુજરાત સાયન્સ સિટીમાં 5 મે શુક્રવારના રોજ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝના સહયોગથી ઉર્જા સંરક્ષણ માટેનું સૌથી મોટું કેમ્પેઈન શરૂ થઈ રહ્યું છે. સરકારના ઉર્જા મંત્રાલય દ્વારા ‘સક્ષમ -2023’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેની થીમ છે ‘નેટ ઝીરો તરફ ઉર્જા સંરક્ષણના માર્ગો’. ગુજરાત સાયન્સ સિટીમાં ઓડિટોરિયમ-1 માં સવારે 10:30 વાગ્યે કોન્કલેવનું આયોજન થશે. જેમાં ઉર્જા સંરક્ષણ અંગે ચર્ચા થશે. આવતા વર્ષોમાં નેટ ઝીરો કઈ રીતે થાય અને નેચરને પોઝિટિવ કઈ રીતે બનાવવું તે અંગે પેનલ ડિસ્કશન થશે. આ ઉપરાંત સાંજના સમયે વોકાથોનનું પણ આયોજન કરાશે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે.
ઉલ્લેખનીય છે કે ‘સક્ષમ’ એ એક મહિનાના સમયગાળા માટેનો PCRA (Petroleum Conservation Research Association) નો વાર્ષિક પ્રમુખ કાર્યક્રમ છે. સ્વાસ્થ્ય અને પર્યાવરણની સુરક્ષા માટે ઈંધણ સંરક્ષણની આવશ્યકતા અંગે નાગરિકોને જાગૃત કરવાની સાથે સાથે ક્રૂડ ઓઈલની આયાત પરની ભારતની નિર્ભરતા ઓછી કરવામાં મદદ કરવાનો તેનો હેતુ છે.
ગુજરાત સાયન્સ સિટી ખાતે યોજાઈ રહેલા આ કોન્કલેવમાં ઉર્જા ઉદ્યોગ અને સંબંધિત ક્ષેત્રોના તથા શિક્ષણ જગતના નિષ્ણાતો નેટ ઝીરો લક્ષ્ય મેળવવા માટે જુદી જુદી પદ્ધતિઓ અંગે ચર્ચા કરશે. આ ઈવેન્ટ દરમિયાન તમામ સહભાગીઓ સાયન્સ સિટીની તમામ ગેલેરી જેવી કે રોબોટિક્સ ગેલેરી, એક્વેટિક ગેલેરી, નેચર પાર્ક, એનર્જી એજ્યુકેશન પાર્ક, હોલ ઓફ સ્પેસ અને હોલ ઓફ સાયન્સ, લાઇફ સાયન્સ પાર્ક, પ્લેનેટ અર્થની પણ મુલાકાત લેશે.
‘નેટ ઝીરો તરફ ઉર્જા સંરક્ષણના માર્ગો’ ની થીમના ઉદ્દેશ્યને પ્રોત્સાહન આપવા માટે GCSCના સંયુક્ત સહયોગ સાથે ઓઈલ ઈન્ડસ્ટ્રી દ્વારા સાયન્સ સિટી ઓડિટોરિયમ-1 ખાતે આ કોન્કલેવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ‘સક્ષમ’ અભિયાન દરમિયાન શાળાના બાળકો, યુવાનો, એલપીજીના ઉપયોગકર્તાઓ, જુદા જુદા વાહનચાલકો, ઉદ્યોગ કર્મીઓ, શ્રમિકો, ખેડૂતો, રહેણાંક સોસાયટી, ગ્રામ પંચાયતો, બિન સરકારી સંગઠનો જેવા વિવિધ જનવર્ગો સુધી પહોંચીને તેમને વિવિધ ઈંધણ સંરક્ષણનું મહત્વ, લાભ અને પદ્ધતિઓ વિશે તેમજ બળતણની કાર્યક્ષમ તકનીક અને પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહન આપવા માટે વિવિધ ઇંધણ સંરક્ષણ પ્રવૃત્તિઓ વિશે સમજાવવામાં આવે છે.
આ પણ વાંચો: Breaking News : ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ખેડૂતો માટે કમોસમી વરસાદમાં પાક નુકસાની અંગે વિશેષ પેકેજ જાહેર
મહત્વનું છે કે ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી (GCSC) એ ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ કામ કરે છે. 2001 થી વિજ્ઞાન થીમ આધારિત પ્રદર્શનો, કાર્યકારી મોડેલ્સ, ઇન્ટરેક્ટિવ શૈક્ષણિક સત્રો અને મનોરંજક વિજ્ઞાન આધારિત લેબ દ્વારા મનોરંજન સાથે શિક્ષણ પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે સાયન્સ સિટીમાં મુલાકાતીઓ અને શાળાઓ માટે શૈક્ષણિક શિબિરો અને વર્ગોનું આયોજન કરવામાં આવે છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 6:26 pm, Thu, 4 May 23