ટ્રાફિક પોલીસ અત્યાર સુધી તમને દંડ કરતી જોવા મળતી હતી. પણ હવે આજ ટ્રાફિક પોલીસ ફાયર બ્રિગેડની જેમ રેસ્ક્યુ ઓપરેશન કરતી જોવા મળશે. જીહા. કેમ કે ટ્રાફિક વિભાગમાં અકસ્માતોની ઘટનામાં ફસાયેલા લોકોને બચાવવા માટેનું સાધન ઉમેરાયું છે. તેમજ ઓવર સ્પીડ વાહન ચાલકોને દંડવા પણ 4 ઇન્ટરસેપટર વાહન ટ્રાફિક વિભાગમાં ઉમેરાયા છે.
શહેરમાં દિવસને દિવસે અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે. જેમાં ઓવર સ્પીડના કારણે અકસ્માત થવા એક મુખ્ય બાબત છે. જેને ઘટાડવા માટે શહેર પોલીસ વધુ એક્શનમાં આવી છે. અને તે ઓવર સ્પીડ ને રોકવા હવે શહેર પોલીસે ઓવર સ્પીડ ગન બાદ ઓવર સ્પીડ વાહનોને દંડ અને કાયદાકીય કાર્યવાહી કરવા ચાર ઇન્ટરસેપટર વાહનો વસાવ્યા છે. જે ઇન્ટરસેપટર વાહનમાં ઓવર સ્પીડ કંટ્રોલ કેમેરા અને પ્રક્રિયા વચ્ચે ઘર્ષણ જેવી ઘટના રોકવા અને પારદર્શિતા જાળવવા કેમેરા પણ લગાવ્યા છે. જેનાથી ઘટનાનું મોનીટરીંગ કરી શકાય. જે કેમેરા ત્રણ દિવસના બેટરી બેકસપ સાથે સેટઅપ કરાયા છે. તેમજ તે ઓવર સ્પીડને કંટ્રોલ રૂમ સાથે પણ જોડવામાં આવ્યા છે. જેથી ઓવર સ્પીડનો મેમો સીધો ભંગ કરનારના ઘરે પહોંચી જાય. એટલે કે હવે લોકોને સિગ્નલ તોડવા. સીટ બેલ્ટ અને હેલ્મેટ નહિ પહેરવા અને ત્રણ સવારી વાહન ચલાવવા સાથે ઓવર સ્પીડના પણ ઇ મેમો ઘરે મળશે. જેની પ્રક્રિયા 1 ડિસેમ્બરથી શરૂ કરી દેવાઈ છે.
તો આ તરફ ઓવર સ્પીડ વાહનોના કારણે સર્જાતા અકસ્માતની ઘટનામાં કેટલીક ઘટનામાં વાહનોમાં વ્યક્તિ ફસાઈ જતા ઘાયલ થવાની ઘટના બનતી હોય છે. જેમાં ફાયર બ્રિગેડ આવે ત્યાં સુધી ફસાયેલ વ્યક્તિનું ક્યારેક મોત નિપજતું હોય છે. જેને ધ્યાને રાખી ટ્રાફિક વિભાગમાં અકસ્માતની ઘટનામાં રેસ્ક્યુ ઓપરેશન કરવા હાઇવે વાહન ઉમેરવામાં આવ્યું છે. જે વાહનમાં પતરા કાપવા. સડીયા કાપવા અને દરવાજા ખોલવાના કટર તેમજ લાકડું કાપવાનું મશીન છે. સ્ટ્રેચર છે. રાત્રે કામ કરવા બેટરી બેકઅપ સાથે ની લાઈટ કીટ સહિત 14 વિવિધ ટુલ રખાયા છે. અને આ વાહનમાં પણ બે કેમેરા લગાવવામાં આવ્યા છે. જેથી તમામ કામગીરી લાઈવ રેકોર્ડ થઈ શકે.
મહત્વનું છે ટ્રાફિક વિભાગમાં આ પ્રકારના વાહનો પહેલી વાર ઉમેરાયા છે. જેના માટે કેટલાક કર્મચારીઓ ને વિશેષ તાલીમ આપવામાં આવી છે. તો સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઇની શાહીબાગ હેડ કવાટર્સ ખાતે મિટિંગ બોલાવી તેમને પણ વાહનોથી અવગત કરાવ્યા હતા. તેમજ એસ જી હાઇવે. સિંધુ ભવન રોડ. સી જી રોડ. યુનિવર્સીટી રોડ કે જ્યાં ઓવર સ્પીડ માં વધુ વાહનો ચાલે છે તેવા વિસ્તાર આઇડેન્ટિફાય કરી ત્યાં વાહનો રાખવાનું હાલ નક્કી કરાયું છે. જોકે જે પ્રમાણે શહેરની વસ્તી અને વિસ્તાર છે તેની સામે ટ્રાફિક ને ફાળવેલ વાહનોની સંખ્યા નહિવત છે. નહિવત સંખ્યા સાથે પહેલી વાર ઉનેરાયેલા આ વાહનોથી ટ્રાફિક વિભાગ સંતોષ માની આગામી દિવસમાં વધુ વાહન ઉમેરી કામ કરવામાં આવશે તેવું અધિકારી માની રહ્યા છે.