અમદાવાદ (Ahmedabad) શહેરમાં દારૂની (Liquor)ગેરકાયદે સંગ્રહ માટે સપ્લાયરો નવી નવી મોડસ ઓપરેન્ડી (Modus Operandi) અપનાવે છે. જેમાં હાલમાં જ પોલીસે સરપ્રાઈઝ ચેકિંગ દરમ્યાન દારૂની ગેરકાયદે હેરાફેરી માટે 13 હજારમાં રૂપિયામાં ભાડે રાખેલા ગોડાઉનને ઝડપી પાડયું છે. આ ગોડાઉનને એક મહિના પહેલા જ બ્રોકર દ્વારા માલિક પાસેથી ભાડે રાખી દારૂનો ગેરકાયદે લાખો રૂપિયાનો જથ્થો છુપાવી રાખ્યો હતો જેને પોલીસે કબજે લીધો છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ અમદાવાદના અસલાલી વિસ્તારમાં ગોડાઉનમાં રાખેલો વિદેશી દારૂનો ગેરકાયદે જથ્થો પોલીસે પકડી પાડયો છે. ગેરકાયદે પ્રવુતિ પકડવા પોલીસે ગોડાઉન ચેકિંગની ડ્રાઇવ શરૂ કરી હતી .પોલીસે એક ગોડાઉનમાં તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો છે અને પોલીસે ગોડાઉન માલિક અને દલાલની ધરપકડ કરી છે.
અમદાવાદના પોશ વિસ્તારમાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગૃહ ઉધોગ બાદ અમદાવાદ ગ્રામ્યના અસલાલી વિસ્તાર માંથી દારૂ ભરેલું ગોડાઉન સામે આવ્યું છે. પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી મનોહર પવાર અને સુરેશ પુનિયા દારૂની હેરાફેરી કરી રહયા હતા ત્યારે પોલીસે ચેકીંગ ડ્રાઈવમાં તેઓને ઝડપી લીધા હતા. ગોડાઉનમાં ગેરકાયદે પ્રવુતિ ચાલતી હોવાની માહિતીને લઈને પોલીસ દ્વારા ગોડાઉન ચેકીંગનું ડ્રાઈવ શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન પોલીસને બાતમી મળી કે મણીબા એસ્ટેટમાં દારૂની હેરાફેરી થઈ રહી છે પોલીસે રેડ કરતા રૂપિયા 30 લાખનો વિદેશી દારૂની 561 પેટીઓ સહિત 35 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસે દારૂના આરોપીની પૂછપરછ કરતા આ દારૂ ઇસનપુરના બુટલેગર પ્રદીપ ઉર્ફે રાજા રાજપૂતનો હોવાનું ખુલ્યું હતું. આ દારૂ ગોવાથી સુરેશ ઉર્ફે રોહિત પાસેથી મગાવ્યો હતો અને મણીબા એસ્ટેટમાં રૂપિયા 13 હજારના ભાડે આ ગોડાઉન રાખવા આવ્યું હતું. અઠવાડિયા પહેલા જ ગોડાઉનના માલીક કેતન ત્રિવેદી પાસેથી બ્રોકર વિષ્ણુ રબારીએ ભાડે અપાવ્યું હતું જેથી દારૂની હેરાફેરીમાં આ બન્નેની શકાસ્પદ ભૂમિકા સામે આવતા પોલીસે આ બન્ને આરોપીની પણ ધરપકડ કરી છે.
અસલાલી પોલીસે ગોડાઉનના માલિક પર કાર્યવાહી શરૂ કરી છે. અસલાલીમાં 6000 જેટલા નાના મોટા ગોડાઉન આવેલા છે. ભાડે આપનાર માલીક જો ભાડા કરાર નહિ કર્યો હોય અને ભાડા કરારમાં ક્યો ધંધો કરે છે તેનો ઉલ્લેખ નહિ હોય તો ગોડાઉનના માલિકો વિરુદ્ધ જાહેરનામું ભંગ કરવાનો ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરાઇ છે.