ગુજરાત સ્થાપના દિવસે અમદાવાદ શહેરના બોપલમાં નવા ફાયર સ્ટેશનને કાર્યરત કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મેયર સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને કોર્પોરેશનના હોદ્દેદારો અને ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારી હાજર રહ્યા હતા. બોપલ ફાયર સ્ટેશન શરૂ થતા અમદાવાદ કુલ 19 ફાયર સ્ટેશન કાર્યરત થયા છે. બોપલ ફાયર સ્ટેશન શરૂ થતાં આસપાસ આવેલા શીલજ,ઘુમા,સનાથલ સહિતના વિસ્તારને તેનો સીધો લાભ થશે. તો સાણંદ જીઆઇડીસી સહિતના વિસ્તારને પણ સીધો લાભ થશે અને મોટી દુર્ઘટના થતા ટાળી શકશે. બોપલ ફાયર સ્ટેશન 10.84 કરોડ ઉપરના ખર્ચે તૈયાર કરાયુ છે. જ્યાં વાહન રાખવાની જગ્યા, એક ગેરેજ, બે ઓફિસર સ્ટાફ કવાટર્સ અને 42 કર્મચારી માટે કવાટર્સ બનાવાયા છે. જે બોપલ ફાયર સ્ટેશન હાલમાં 6 વાહનો અને જરૂરી સ્ટાફ સાથે કાર્યરત કરી દેવામાં આવ્યું છે. તો સાથે જ 43 કરોડના ખર્ચે 30 જેટલા નવા વાહનોનો પણ ઉમેરો અમદાવાદ ફાયર બ્રિગેડમાં કરવામાં આવ્યો.
બોપલ વિસ્તાર કોર્પોરેશનમાં ભળતા અનેક વિધ સુવિધા આ વિસ્તારમાં ઉભી કરવામાં આવી રહી છે. અને તેમાં પણ બોપલ વિસ્તારમાં આગ કે અન્ય ઘટના બને તો અન્ય ફાયર સ્ટેશનથી વ્હીકલ પહોંચવામાં સમય લાગતો હતો. તાજેતરમાં થોડા મહિના પહેલા ઘુમામાં લાગેલી આગની ઘટનામાં ફાયર બ્રિગેડ મોડી પહોચી હોવાની ફરિયાદ ઉઠી હતી. ત્યારે આવી પરિસ્થિતિ ન સર્જાય અને આગ કે અન્ય ઘટનામાં પહોંચતા ફાયર બ્રિગેડને વધુ સમય ન લાગે માટે કોર્પોરેશન દ્વારા અન્ય સુવિધા સાથે બોપલ વિસ્તારમાં નવું ફાયર સ્ટેશન કાર્યરત કરાયુ છે.
આ ફાયર સ્ટેશનમાં નાના રસ્તામાં પસાર થઈ બનાવ સ્થળ પર પહોંચી શકે તે માટે બનાવેલ 7 ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કટર સહિતના સાધનો સાથેના વાહનો સાથે કામ કરશે. તો તેની સાથે 8 હજાર પાણીની કેપેસિટી વાળા 6 વાહન. 12 હજાર પાણી કેપેસિટી વાળા 6 વાહન અને 20 હજાર કેપેસિટી વાળા 3 વાહન. તેમજ 5 એમ્બ્યુલન્સ અને શબવાહીની એમ 43 કરોડના ખર્ચે નવા વાહનો ઉમેરાયા. જે વાહન હાલના ફાયર બ્રિગેડ પાસે રહેલા વાહનો કે જેમાં 30 વાહનો સરકારી નિયમ પ્રમાણે 15 વર્ષે સ્ક્રેપ કરવાના હોય છે.
અમદાવાદ ફાયર બ્રિગેડમાં હાલ બોપલ સહિત કુલ 19 ફાયર સ્ટેશન કાર્યરત છે. જેમાં દાણાપીઠ. મણિનગર. જમાલપુર. પાંચ કુંવા. શાહપુર. ગોમતીપુર. નરોડા. ઓઢવ. જશોદાનગર. નવરંગપુરા. અસલાલી. સાબરમતી. બોડકદેવ. થલતેજ. ચાંદખેડા. પ્રહલાદનગર. નિકોલ. નરોડા gidc અને બોપલનો સમાવેશ થાય છે. જે 19 ફાયર સ્ટેશનમાં 7 ફાયર સ્ટેશન પશ્ચિમ વિસ્તારમાં તો બીજા પૂર્વ વિસ્તારમાં આવેલા છે. જેમાં તાજેતરમાં નિકોલ અને નરોડા જીઆઇડીસી ફાયર સ્ટેશનની શરૂઆત કરાઈ અને હવે બોપલ ફાયર સ્ટેશનની શરૂઆત કરાઈ.
તેમજ ગોતા. શીલજ. શેલા સહિત અન્ય વિસ્તારમાં પણ ફાયર ચોકી કે ફાયર સ્ટેશનનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. જોકે તેની સામે જરૂરી છે કે સ્ટાફની ભરતી થાય. કેમ કે હાલમાં વસ્તી અને વિસ્તાર સામે 19 ફાયર સ્ટેશનમાં 500 ઉપર સ્ટાફ છે. જેમાં હજુ બીજા 800 સ્ટાફની જરુર છે. જે જરૂરિયાત પૂરી થાય ત્યારે શહેરના વિસ્તાર અને વસ્તી પ્રમાણે વ્યવસ્થા ઉભી કરી શકાય. અને તેમ થાય ત્યારે જ શહેરમાં બનતી ઘટનામાં ત્વરિત કામગીરી કરી મોટી ઘટના થતા ટાળી શહેરને સુરક્ષિત કરી શકાય. જે બાબતે પણ તંત્રએ વિચારણા કરવાની જરૂર હોય તેમ લાગી રહ્યું છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…