Ahmedabad:અમદાવાદના(Ahmedabad)અસલાલીમાં ગત તારીખ 24મી માર્ચના દિવસે આવેલા મહીજડા ગામની સીમનાં ખેતરમાંથી એક અજાણી મહિલાનો મૃતદેહ(Dead Body) મળી આવ્યો હતો. પોલીસને જાણ થતાં જ સ્થાનિક પોલીસ તેમજ અન્ય એજન્સીઓ પણ મહિલાની ઓળખ મેળવવા અને કઈ રીતે મોત નીપજ્યું છે તે અંગે તપાસ શરૂ કરી હતી. શરૂઆતમાં પોલીસને પણ એમ લાગ્યું છે મહિલાની કુદરતી રીતે મોત થયું છે. જોકે મહિલાના પીએમ રિપોર્ટમાં પણ કોઈ ખાસ કારણ સામે આવ્યું હતું નહીં, પણ પોલીસે મહિલાના મોતનું કારણ જાણવા અલગ અલગ દિશાઓમાં તપાસ શરૂ કરી હતી.
પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં મહિલાના ફોટો લગાડાવ્યા હતા જેથી મહિલાની ઓળખ થઈ શકે. અચાનક એક દિવસ એક વ્યક્તિનો પોલીસ પર ફોન આવે છે અને ફોટોમાં દેખાતી મહિલાને ઓળખો બતાવે છે. પછી તો પોલીસે પણ વધુ તપાસ કરતા અને જે ગામ માંથી મહિલાનો મૃતદેહ મળ્યો તે ગામના સરપંચ અને અન્ય લોકો થકી મહિલાની ઓળખ કરી અને પરિવારનો સંપર્ક કર્યો હતો. મહિલાના પરિવાર સાથેની તપાસમાં સામે આવ્યું કે મહિલા એકલવાયું જીવન જીવતી હતી.
મહિલા, તેના પતિ અને પુત્ર ત્રણ અલગ અલગ રહેતા હતા. મહિલા લગ્ન પ્રસંગોમાં કામ કરવા જતી હતી. જે બાદ મહિલાના પુત્ર દ્વારા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી.મૃતક મહિલાના પુત્રની ફરિયાદ આધારે પોલીસે અલગ અલગ દિશાઓમાં તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કેમકે મહિલાનું મોત અત્યાર સુધી સામાન્ય કારણોથી થયું હોય તેમ લાગી રહ્યું હતું પણ તપાસમાં મહિલાની હત્યા થઈ હોવાનું સામે આવતા પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી હતી.
ગ્રામ્ય એલસીબી પોલીસે ખેડાના રાજેશ ઉર્ફે પીન્ટુ રાવળ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ મહિલાનું ગળું તથા નાક દબાવી હત્યા કરી હતી અને ચાંદીના દાગીના અને મોબાઈલની લૂંટ કરીને ફરાર થઈ ગયો હતો.
મહિલાનો મૃતદેહ મળ્યા બાદ પોલીસે મહિલાની ઓળખ માટેના પ્રયત્નો શરૂ કર્યા હતા. જો કે મહિલાના એક પરિવારજન ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં કોઈ કામ અર્થે જતા તેમણે મહિલાનો ફોટો અને વિગત જોઈ હતી. જેથી તેમણે આ બાબતની જાણ મહિલાના પુત્રને કરતા તે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને મૃતક મહિલા તેની માતા હોવાની જાણ કરી હતી. મહિલાની ઓળખ થઈ જતા પોલીસને કેટલીક હકીકતો મળી હતી. જેને ધ્યાનમાં રાખીને તપાસ કરતા આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી છે.
આરોપી રાજેશ ઉર્ફે પીન્ટુ ખાનગી કારખાનામાં નોકરી કરતો હતો. એક દિવસ રાજેશ નોકરી થી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે તેણે મહિલાને લિફ્ટ આપી હતી. જે બાદ તેઓ પરિચયમાં આવ્યા હતા. મહિલા સાથેના ફક્ત બે દિવસની ઓળખાણ માં બંને વચ્ચે શારીરિક સબંધો બંધાયા હતા. જોકે આરોપી રાજેશને પૈસાની જરૂર હોવાથી બીજે જ દિવસે મહિલાને ખેતરમાં લઈ ગયો હતો અને મહિલા સાથે કોઈ વાતને લઈને ઝઘડો કર્યો હતો.
મહિલાને ગળું દબાવી હત્યા નીપજાવી હતી. આરોપી પકડાયાં બાદ તેની પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી રાજેશને દેવું થઈ ગયું હતું જેના કારણે મહિલાને ચાંદીના દાગીના સાથે જોતા લૂંટ નાં ઇરાદે તેની સાથે સબંધ બાંધ્યા હતાં. જોકે મહિલા પણ શારીરિક સબંધ બાંધવા તૈયાર થઈ જતાં રાજેશે લૂંટનો પ્લાન ઘડી કાઢ્યો હતો. હાલ તો મહિલાના મોત મામલે તપાસમાં મહિલાની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે અને હત્યારા રાજેશની પોલીસે ધરપકડ કરી છે. એક સામાન્ય મોત આખરે હત્યા નીકળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો