Ahmedabad: ચોર સમજી ટોળાએ નેપાળી યુવકને ઢોર માર મારી કરી નિર્મમ હત્યા, કેનાલમાં ફેંકી લાશ, 10 આરોપીની ધરપકડ, જુઓ Video

Ahmedabad: શહેરના ચાંગોદર વિસ્તારમાં ચોર સમજી ટોળાએ નેપાળી યુવકને ઢોર માર મારી નિર્મમ હત્યા કરી તેની લાશ કેનાલમાં ફેંકી દીધી હતી. નેપાળી યુવકને માર મારતો વીડિયો વાયરલ થતા ગામલોકોનો ભાંડો ફુ્ટ્યો. સમગ્ર મામલે પોલીસે 10 આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

| Edited By: | Updated on: Mar 21, 2023 | 12:20 PM

અમદાવાદના ચાંગોદરમાં આવેલા જીવણપુર ગામમાં કંપારી છુટી જાય તેવી ઘટના સામે આવી છે. ગામમાં એક નેપાળી યુવકને લોકોએ ચોર સમજી એવો ઢોર માર માર્યો કે યુવકે ત્યાં ને ત્યાં જ દમ તોડી દીધો. બેકાબુ બનેલા ટોળાએ યુવકનો જીવ જતો રહ્યો તો ય માર મારતા રહ્યા હતા. કોઈ પશુને પણ આ રીતે નિર્દયતાથી માર મારતા 100 વાર વિચારે તેનાથી પણ ઉપર જઈને ક્રુરતાની તમામ હદ વટાવી યુવકને માર મારવામાં આવ્યો. ટોળાએ નિર્મમતાથી લાકડીના ફટકા મારી યુવકની હત્યા કરી નાખી. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ પોતાના મોબાઈલમાં રેકોર્ડ કર્યો.

માર મારતો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ હરકત્તમાં

જો કે સોશિયલ મીડિયામાં માર મારવાનો આ હચમચાવી દેનારો વીડિયો વાયરલ થયા બાદ ચાંગોદર પોલીસે હરકતમાં આવી અને મોબ લિન્ચીંગ અને હત્યાનો ગુનો દાખલ કરીને જીવણપુરા ગામના 10 જેટલા લોકોની ધરપકડ કરી છે.

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે ચાંગોદર નજીક જીવણપુર ગામમાં શનિવારના ઈશ્વરભાઈ કોળી પટેલના ઘર પાસે રાત્રીના સમયે મૃતક નેપાળી યુવક ઉભો હતો. ત્યારે લોકોને એવું લાગ્યું કે આ કોઈ ચોર લૂંટારુ છે અને કંઈ પણ જાણ્યા વગર નેપાળી યુવકને બાંધીને લાકડીઓથી માર મારીને હત્યા કરી દીધી.

મૃતક નેપાળી યુવકનું નામ કૂલમાન ગંગન છે અને જે મૂળ નેપાળનો રહેવાસી છે અને થોડા સમય પહેલા જ સિક્યુરિટી ગાર્ડમાં નોકરી એ લાગ્યો હતો પણ નોકરી ન ફાવતા નોકરી છોડી દીધી હતી અને આવી રીતે રખડતો ભટકતો હતો. ત્યારે યુવકને મારનાર વીડિયોને આધારે ચાંગોદર પોલીસે 10 લોકોની ધરપકડ કરી છે.  જેમાં સંજય મકવાણા, રાહુલ રાઠોડ, મનુ કોળીપટેલ, આકાશ ઠાકોર, ચેતન સાધુ, ઈશ્વર કોળીપટેલ, સુરેશ રાઠોડ, નવઘણ ઠાકોર, રઇજી રાઠોડ અને રઇજી મકવાણાનો સમાવેશ થઇ રહ્યો છે ત્યારે વધુ ફરાર આરોપીની શોધખોળ શરુ કરી છે.

નેપાળી યુવકને ઢોર માર મારીને ગ્રામજનો રિક્ષામાં યુવકને કેનાલ નજીક ફેંકી દીધો હતો. જોકે યુવકને રીક્ષામાં લઇ જનાર રીક્ષા ચાલક સહિત પાંચ લોકો હજી ફરાર છે જેને પકડવા પોલીસે તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે અમદાવાદ ગ્રામ્યમાં એક અઠવાડિયામાં ચોર સમજીને યુવકને માર મારવાની બીજી ઘટના સામે આવી છે.

ચાર દિવસ પહેલા પણ તેલાવ ગામ નજીક સાઉથ ઇન્ડિયન યુવકને ચોર સમજીને થાંભલે બાંધીને માર માર્યો હતો. પરંતુ યુવકે કોઈ ફરિયાદ નોંધી નથી. જ્યારે જીવણપુરા ગામમાં તો એક નિર્દોષ વ્યક્તિનો ભોગ લઈ લીધો. જેથી પોલીસે કાયદો હાથમાં નહિ લેવા અને શંકાસ્પદ લોકો હોય તો પોલીસને જાણ કરવાની અપીલ કરી છે.

આ પણ વાંચો: Gujarati Video: અમદાવાદમાં ટેસ્ટ મેચ દરમિયાન ખાલિસ્તાનીઓની ધમકી મુદ્દે મોટો ખૂલાસો, મેસેજ મોકલવા 100થી વધુ સીમબોક્સ એક્ટિવ હોવાનુ ખૂલ્યુ

Published On - 6:38 pm, Mon, 20 March 23