Gujarat Police: અમદાવાદના ઇસનપુર પોલીસને હાથે એક આરોપી ઝડપાયો છે જેનું નામ છે પ્રકાશ ઉર્ફે ટીનો. આરોપી પ્રકાશ વિરુદ્ધ અમદાવાદના ઇસનપુરમાં થોડા વર્ષો પહેલા અપહરણ અને બળાત્કારનો ગુનો નોંધાયો હતો જે ગુનામાં કોર્ટમાંથી તેનું ધરપકડ વોરંટ નીકળતા પોલીસે કલકત્તા થી તેની ધરપકડ કરી છે. જોકે તેની પૂછપરછ કરતા એક નવી જ મોડેસ એપરેન્ડીથી લોકો સાથે છેતરપિંડી કરવામા આવતી હોવાની હકિકત સામે આવી હતી.
PSI જાડેજાના નામે ઓળખ આપી લોકો તથા પોલીસ સાથે પણ છેતરપિંડી કરવામા આવી હોવાનું સામે આવ્યું છે. લોકોને પોતાની વાતોમા ભેળવી આરોપી પ્રકાશ તેમની પાસેથી 20-30 હજાર રૂપિયા પડાવી લેતો હતો સાથે જ રકમ નાની હોવાથી કોઈ ફરિયાદ પણ નહી કરતા આરોપીએ 28 જેટલા ગુનાને અંજામ આપ્યો હોવાનુ સામે આવ્યુ છે.
આરોપી પ્રકાશની ધરપકડ કરી તેની પુછપરછ કરતા હકિકત સામે આવી કે, આરોપી હોટલ માલિક, જ્વેલર્સ, આંગડીયા પેઢીના સંચાલકોનો કોઈ પણ પ્રકારે નંબર મેળવી લેતો હતો જે બાદ તેને ફોન કરી કોઈ પોલીસકર્મી કે પરિવારના કોઈ સભ્યનો અકસ્માત થયો છે અને હોસ્પિટલમા રૂપિયાની જરૂર હોવાનુ બહાનુ કાઢી 20 થી 30 હજાર પડાવી લેતો હતો.
જોકે પોલીસે તપાસ કરતા આરોપીએ અમદાવાદ, બરોડા, ભાવનગર, ભરૂચ, આણંદ, સુરત અને મહેસાણામા લોકો પાસેથી રૂપિયા પડાવ્યા હોવાનુ સામે આવ્યુ છે. જેથી પોલીસ લોકોને શોધીને આરોપી વિરુદ્ધ વધુ માં વધુ ગુના નોંધવા તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો : જંગલને જંગલ રહેવા દો, વન્યજીવોના સંરક્ષણ માટે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી, જુઓ Video
સામાન્ય જનતા સાથે છેતરપિંડી કરનાર નકલી પોલીસની ધરપકડ કરી પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામા આવી છે, સાથે જ આરોપીએ વસ્ત્રાપુરમા એક પોલીસકર્મી પાસેથી પણ રૂપિયા પડાવ્યા હતા જેની પણ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે આરોપી માત્ર મોજશોખ કરવા માટે જ તથા મોંઘીદાટ હોટલમા રહેવા માટે રૂપિયા પડાવતા હોવાનુ સામે આવ્યુ છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો