
અમદાવાદમાં સગા બનેવીએ સાળા પર છરીના ઘા મારી હિચકારો હુમલો કર્યો. બનેવીએ સાળાની હત્યા કરવાના ઈરાદાથી તેના પર ઘાતક હુમલો કર્યો હતો. બનેવીએ પિયરમાં રિસામણે બેસેલી પત્નીને પરત ન મોકલતા હોવાનો ખાર રાખી સાળા પર હુમલો કર્યો હતો. વટવામાં પોતાના લગ્નની કંકોત્રી આપવા જઈ રહેલા સાળાને કદાચ ખબર પણ નહી હોય કે તેના લગ્ન નિર્ધારિત સમયે નહીં થઈ શકે. બહેન પોતાના પતિથી રિસાઈને પિયરમાં હતી જેનો ખાર રાખીને સગા બનેવીએ જ સાળા પર હુમલો કર્યો હતો. સાળો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે ફરિયાદને આધારે બનેવીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નિઝામ શેખ નામના આરોપીની પોલીસે ફરિયાદને આધારે ધરપકડ કરી છે. પત્ની સાથે થયેલા ઝઘડાની અદાવતમાં સાળા સાદિકની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટના એવી છે કે 24 વર્ષના સાદિક અન્સારીના 29 ઓક્ટોબરના રોજ લગ્ન હતા. જેથી લગ્નની કંકોત્રી સગા સંબંધીઓને આપીને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમ્યાન બનેવી નિઝામ શેખ ઘર નજીક છરી લઈને આવ્યો અને સાદીકના ગળાના ભાગે હુમલો કરીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. હુમલાને કારણે સાદિક બાઈક પરથી નીચે પટકાયો હતો અને નિઝામે હત્યા કરવાના ઇરાદે પેટમાં છરીના ઘા માર્યા હતા.
આ હુમલા દરમ્યાન સાદીકની માતા આસમાબાનુ બુમાબુમ કરતા લોકો એકઠા થઈ ગયા અને ઈજાગ્રસ્ત સાદીકને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. પોલીસે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. પતિ પત્નીના ઝઘડામાં સાદિક જીવન મરણ વચ્ચે લડી રહ્યો છે તે લગ્ન કરીને નવા જીવનના સપના જોઈ રહ્યો હતો, પરંતુ તેના બનેવીએ છરીના ઘા ઝીકીને મરણ પથારીએ મોકલી આપ્યો છે. આરોપી નિઝામ શેખના 12 વર્ષ પહેલાં સાદિકની બહેન આસમાબાનુ સાથે લગ્ન થયા હતા. છેલ્લા 5 માસથી બન્ને પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા બાળકો સાથે રિસાઈને પિયર આવી ગઈ હતી અને પોતાના ભાઈના લગ્નની તૈયારી કરી રહી હતી.
23 ઓક્ટોબરના રોજ નિઝામ બાળકોને લેવા સાસરી આવ્યો, પરંતુ સાસુએ સાળાના લગ્ન પછી સમાધાનની વાત કરતા ઉશ્કેરાયેલા નિઝામે સાળાની હત્યાનું ષડયંત્ર રચીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. વટવામાં હત્યાના પ્રયાસમાં પોલીસે બનેવી નિઝામ શેખની ધરપકડ કરી છે. જ્યારે સાળો જીવન મરણ વચ્ચે ઝઝૂમી રહ્યો છે. ત્યારે પતિ પત્નીના એક તૂટતા સંબધના ઉશ્કેરાટમાં નવા બનતા સબંધને કરુણ અંજામ આપ્યો છે. પરિવારની સાથે પોલીસ પર સાદિકની સલામતીને લઈને પ્રાર્થના કરી રહી છે. હાલ તો પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.