અમદાવાદના નરોડા પોલીસે ધરપકડ કરેલ આરોપી મોહિત ઉર્ફે પપલ ચૌધરી છે, જે દહેગામનો રહેવાસી છે અને ખેતીવાડી કરે છે, પરંતુ ખેતીવાડીની સાથે હની ટ્રેપના ગુનામાં પણ સક્રિય છે. જેણે ચાર જાન્યુઆરીના રોજ 56 વર્ષીય આધેડને રિક્ષામાં મુસાફરી માટે બેસાડી ઘેનની દવા સુંઘાડી રીંગરોડ પર આવેલા આવાસના મકાનોમાં લઈ જઈ યુવતી સાથેના નગ્ન ફોટા પાડી હનીટ્રેપનો શિકાર બનાવ્યા હતા. જે બાદ ફરિયાદી પાસેથી 80 હજારની માંગ કરતા મામલો પોલીસ મથકે પહોચ્યો હતો. જે અંગે તેવી ધરપકડ કરવામા આવી છે. નરોડા પોલીસે હનીટ્રેપના ગુનામાં મોહિતની ધરપકડ કરી પૂછપરછ કરતાં સામે આવ્યું કે, આ ગુનામાં તેની સાથે સમીર જુબેર અને અન્ય એક 30 વર્ષની મહિલા સામેલ છે. જેની નરોડા પોલીસે શોધખોળ હાથ ધરી છે. આરોપીને ઝડપી લેવા માટે પોલીસે ટ્રેપ ગોઠવી હતી.
જેમાં 30 હજાર લેવા આવતા આરોપી ઝડપાઈ ગયો સાથે જ તેણે આવા અન્ય બે ગુના કર્યા હોવાની પણ કબુલાત કરી છે. જેથી પોલીસે ભોગ બનનાર લોકોને શોધી વધુ ફરિયાદો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે. મોહિતની ધરપકડ કરી તપાસ કરતા ગરીબ આવાસ યોજના નર્મદા નગરમાં આધેડને લઈ જવામાં આવ્યા હતા. જે મકાન માલિક મહિલાને એક કામ પેટે 3000 રૂપિયા આપવાનું નક્કી થયું હતું. જેથી પોલીસે મકાન માલિકની પણ પૂછપરછ શરૂ કરી છે. સાથે જ ગુનામાં તેની સંડોવણી છે કે કેમ, તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે પોલીસ તપાસમાં શું નવા ખુલાસા થાય છે અને અન્ય કેટલા આરોપીની ધરપકડ થાય છે તે જોવું મહત્વનું છે.
Published On - 6:24 pm, Fri, 6 January 23