Ahmedabad: મંકીપોક્સ દહેશતને પગલે આરોગ્ય તંત્ર સક્રિય, અસારવા સિવિલ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરાયો

હાલમાં દિલ્લી (Delhi) અને કેરળ સહિત દેશમાં મંકીપોક્સના (Monkeypox) કુલ ચાર કેસ નોંધાયા છે. જેને પગલે કેન્દ્રના આરોગ્ય વિભાગે તમામ રાજ્યોને સતર્ક રહેવા માટે આદેશ કર્યો છે.

Ahmedabad: મંકીપોક્સ દહેશતને પગલે આરોગ્ય તંત્ર સક્રિય, અસારવા સિવિલ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરાયો
અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર (ફાઇલ તસવીર)
| Edited By: | Updated on: Jul 25, 2022 | 9:49 AM

કોરોના (Corona) બાદ મંકીપોક્સે (Monkeypox) દેશ દુનિયામાં ચિંતાનો માહોલ ઉભો કર્યો છે. જેના પગલે કેન્દ્ર સરકારે આ મામલે ચિંતા વ્યક્ત કરી છે. ત્યારે રાજ્યનું આરોગ્ય તંત્ર સતર્ક થઈ ગયું છે. અમદાવાદ (Ahmedabad) અસારવા સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. રાજ્યમાં મંકીપોક્સનો હજુ એકપણ કેસ નથી નોંધાયો. પરંતુ અગમચેતીના ભાગરૂપે આરોગ્ય તંત્ર પહેલેથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

હાલમાં દિલ્લી અને કેરળ સહિત દેશમાં મંકીપોક્સના કુલ ચાર કેસ નોંધાયા છે. જેને પગલે કેન્દ્રના આરોગ્ય વિભાગે તમામ રાજ્યોને સતર્ક રહેવા માટે આદેશ કર્યો છે. આરોગ્ય વિભાગની સૂચનાને પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડી-9 વોર્ડને મંકીપોક્સના દર્દીઓ માટે આઈસોલેશન વોર્ડ સજ્જ કરાયો છે. જેમાં 6 બેડ તૈયાર રાખાયા છે. જરૂર પડે તો 26 બેડ રાખી શકાય તેટલી વ્યવસ્થા છે.

WHOએ મંકીપોક્સને લઈને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી

ઉલ્લેખનીય છે કે મંકીપોક્સને લઈને દુનિયામાં હલચલ મચી ગઈ છે. શનિવારે, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ આ દુર્લભ રોગને લઈને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરી. અગાઉ WHOએ કોરોના, ઈબોલા, ઝિકા વાયરસ માટે ઈમરજન્સીની સ્થિતિ જાહેર કરી હતી. વિશ્વભરમાં મંકીપોક્સના 15 હજારથી વધુ કેસ છે. યુનાઇટેડ સ્ટેટ્સ, બ્રિટન, કેનેડા અને અન્ય દેશોએ લાખો રસીઓ ખરીદી છે, જ્યારે આફ્રિકાને એક પણ રસી મળી નથી, જ્યાં વધુ ગંભીર પ્રકારનો મંકીપોક્સ પહેલાથી જ 70 થી વધુ લોકોનો ભોગ લઈ ચૂક્યો છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં આ પહેલા મંકીપોક્સના બે કેસ સામે આવ્યા બાદ કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે. કેન્દ્ર સરકારે સૂચના જાહેર કરીને કહ્યું છે કે એરપોર્ટ અને બંદરો પર વિદેશથી આવતા તમામ મુસાફરોની સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને નજીકથી દેખરેખ રાખવામાં આવે. આ માટે, કેન્દ્રએ રાજ્ય સરકારોને એરપોર્ટ પર મુસાફરોની આરોગ્ય તપાસ પર કડક નજર રાખવા માટે પણ સૂચના આપી છે.