બાર કાઉન્સીલ ઓફ ગુજરાત(Bar Council Of Gujarat) સાથે 1.14 લાખ જેટલા વકીલો જોડાયેલ છે. જે દર પાંચ વર્ષે કમિટીના સભ્યો ચૂંટે છે. આ સભ્યો દર વર્ષે જુદી-જુદી કમિટીના ચેરમેન અને વાઇસ ચેરમેનને ચૂંટે છે.આજે તેના હોદ્દેદારોની ચૂંટણી(Election) યોજવામાં આવી હતી. જેમાં વર્ષ 2023-24 માટે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન તરીકે વડોદરાના ધારાશાસ્ત્રી નલિન પટેલ, વાઇસ ચેરમેન તરીકે સુરતના ધારાશાસ્ત્રી હિતેશ પટેલ બિન હરીફ ચૂંટાયેલા છે. બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન તરીકે સુરતના જીતેન્દ્ર ગોળવાલા, એનરોલમેન્ટ કમિટીના ચેરમેન તરીકે વલસાડના પ્રવીણ પટેલની વરણી કરવામાં આવી છે.
જ્યારે ફાઇનાન્સ કમિટીના ચેરમેન તરીકે ગાંધીનગરના શંકરસિંહ ગોહિલ, રુલ્સ કમિટીના ચેરમેન અમદાવાદના વિજય પટેલ, GLH કમિટીના ચેરમેન તરીકે સુરતના રમેશચંદ્ર શાહની જ્યારે શિસ્ત કમિટીના ચેરમેન તરીકે અનિલ કેલ્લાના નામની વરણી કરાઈ છે.
ચેરમેન નલિન પટેલે જણાવ્યું હતું કે તેઓ વકીલોને હિત માટે કામ કરશે. તેમની મુશ્કેલીઓ દૂર કરાશે. વકીલોની સ્કિલ ડેવલપમેન્ટ માટે કાર્ય કરશે. બાર કાઉન્સીલ ઓફ ગુજરાતને સરકાર તરફથી કુલ 11 કરોડ રૂપિયાની સહાય મળી છે. આગળ પણ સહાય મળે તેવા પ્રયત્નો હાથ ધરાશે.સમરસ પેનલ વતી ભાજપ વકીલ સેલ તરફથી એડવોકેટ જે.જે.પટેલે નવા હોદ્દેદારો સમક્ષ વકીલોની મૃત્યુ સહાય અને માંદગી સહાયની માંગ કરી હતી. તથા એ પણ જણાવાયું હતું કે કોરોના કાળમાં વકીલોને 12 કરોડની સહાય બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી કરવામાં આવી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 6:27 am, Thu, 11 May 23