
Ahmedabad : અમદાવાદના આશ્રમ રોડ પર આવેલ શહેરની જૂની અને જાણીતી સી યુ શાહ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ જર્જરિત થતા વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ બંધ કરી ઓનલાઈન ભણાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહાનગરપાલિકાની નોટિસ બાદ લેવાયેલ નિર્ણયથી વિદ્યાર્થીઓ નારાજ છે અને વૈકલ્પિક વ્યવસ્થા કે 50 ટકા ફી પરત કરવાની માંગણી કરી રહ્યા છે. તો સંચાલકો જે વિદ્યાર્થીઓને એનઓસી લેવું હોય એને આપવાની તૈયારી દર્શાવી છે.
આશ્રમ રોડ પર આવેલ સી યુ શાહ કોલેજને નવેમ્બર 2022માં મહાનગરપાલિકાએ નોટિસ ભટકારી એમનું બિલ્ડીંગ ભયજનક હોવાનું જણાવ્યું હતું. કોલેજ સંચાલકોએ સ્ટ્રક્ચર એન્જિનિયરની નિમણુક કરી યુનિવર્સિટીને પહેલા વર્ષના એડમિશન નહીં ફાળવવા રજૂઆત કરી હતી.
જો કે બાદમાં સ્ટ્રક્ચર રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે બિલ્ડિંગમાં પ્રવેશ કરવો પ્રતિબંધિત થવો જોઈએ.. રિપોર્ટના થોડા જ દિવસોમાં યુનિવર્સીટીએ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેતા કોલેજ સંચાલકો હાઇકોર્ટમાં ગયા કે કોલેજ બંધ કરવા મંજૂરી અપાય.
જો કે બાદ માં આજ રોજ વિદ્યાર્થીઓને જણાવી દેવાયું કે તેમને કોલેજમાં ઓફલાઇન શિક્ષણ આપવામાં નહીં આવે.. બિલ્ડીંગ જર્જરિત હોવાથી ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે. વિદ્યાર્થીઓને સંચાલકોને નિર્ણયની જાણ થતા જ નારાજગી વ્યક્ત કરતા વૈકલ્પિક વ્યવસ્થા અને 50 ટકા ફી પરતની માંગણી કરી છે.
સી યુ શાહ કોલેજ મોર્નિંગ અને નૂન એમ બે પાળીમાં ચાલે છે. જ્યાં ગ્રાન્ટેડ અને પ્રાઇવેટ એમ બંને રીતની કોલેજોના મળી અંદાજીત 3 હજાર જેટલા વિદ્યાર્થીઓ સામેલ છે. આટલા બધા વિદ્યાર્થીઓને અચાનક મેસેજ કરી જાણ કરી દેવામાં આવે કે તેમને માત્ર ઓનલાઈન શિક્ષણ જ આપવામાં આવશે.
તો સ્વાભાવિક રીતે જ વિદ્યાર્થીઓને આંચકો લાગે. જો કે આ મામલે વિદ્યાર્થીઓની માંગ મુજબ સંચાલકો ફી માફ કરવાના મૂડ મા તો નથી.પરંતુ જે વિદ્યાર્થીઓને એનઓસી જોઈતું હોય એમને છુટ્ટા કરવા અને પ્રેક્ટિકલ વાળા વિદ્યાર્થીઓ માટે અન્ય વ્યવસ્થાનું વિચારી રહ્યા છે. ટ્રસ્ટી જનક ખાંડવાલાએ જણાવ્યું કે સ્ટ્રક્ચર રિપોર્ટમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું કે ઇમારતમાં પ્રવેશ કરવો પણ ભયજનક છે.
વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને લીધા બાદ આ નિર્ણય લેવાયો છે.. અમે વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની વિચારણા કરી રહ્યા છીએ. જે પ્રેક્ટિકલ વાળા છે એમને અન્ય જગ્યા પર પ્રેક્ટિકલ શિક્ષણ આપીશું.. આ સિવાય જેમને એનઓસી જોઈતું હોય તેમને પણ કોલેજ આપી દેશે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો