
ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા કોરોનાને લઇને સાવચેતી રાખવા માટે તમામ સત્તામંડળોને સૂચના આપવામાં આવી છે. જેના પગલે અમદાવાદ શહેરમાં પણ એએમસીએ કોરોનાની એસઓપીના પાલનને લઇને તૈયારીઑ આરંભી દીધી છે. જેના પગલે કોર્પોરેશનનો હેલ્થ વિભાગ પર એલર્ટ થયો છે. તેમજ એકશન પ્લાન પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ અંગે અમદાવાદ મહાનગરપાલિકા હેલ્થ અધિકારી ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ માસથી સિંગલ ડીજીટમાં કેસ આવે છે. જયારે એએમસી દ્વારા ટેસ્ટિંગની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. તેમજ કોરોના ટેસ્ટિંગ માટે દરેક અર્બન સેન્ટરમાં સુવિધાઓ ઉપલબ્ધ છે.
આ ઉપરાંત કોરોનાના વધતાં સંક્રમણને ટાળવા માટે લોકોને ફરજિયાત માસ્ક પહેરવા અપીલ કરવામાં આવી છે. હાલ અમદાવાદ શહેરમાં 08 એક્ટિવ કેસ છે. જેમાં બે દર્દી દાખલ છે. બંનેની તબિયત સારી છે. તેમજ અમદાવાદ શહેરમાં વેક્સિનની પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
જ્યારે ગુજરાતમા કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગેની કેબિનેટ મીટીંગની ચર્ચા બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને સંબોધતા કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા સતત ટેસ્ટ-ટ્રેક-ટ્રીટમેન્ટ (3T), વેક્સીનેશન-કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરની સ્ટ્રેટેજી અપનાવીને તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.ગુજરાત રાજ્યએ કોરોના સામેની લડતમાં હરહંમેશ પ્રો-એક્ટિવ વલણ અપનાવ્યું છે.
જેમાં દેશના અન્ય રાજ્યો જેવા કે, કેરલ, મહારાષ્ટ્ર, કર્ણાટક, દિલ્હી, તમિલનાડુ, વગેરે રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં કોવિડ કેસની સંખ્યા ખુબ જ ઓછી જોવા મળી રહી છે. છેલ્લા એક માસમાં રાજ્યમાં એવરેજ ૫ થી 10 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે એક્ટીવ કેસની સંખ્યા પણ અન્ય રાજ્યોની સરખાણીમાં ગુજરાતમાં ફક્ત 23 જેટલા છે. ભારતમાં કુલ એક્ટીવ કેસ 3402 છે જેની સાપેક્ષમાં રાજ્યના એક્ટીવ કેસની સંખ્યા ખુબ જ ઓછી છે.
મંત્રીએ વધુમાં કહ્યું કે,દેશભરમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અને કેન્દ્રીય આરોગ્ય વિભાગના પરામર્શથી રાજ્ય સરકારે કોરોના સામેની લડત માટે પ્રો-એક્ટિવ વલણ દાખવીને સંપૂર્ણ તૈયારીઓ આરંભી દીધી છે. રાજ્યભરમાં વિવિધ હોસ્પિટલોમાં આવેલા ઓક્સિજન પ્લાન્ટને ચકાસવા આવતીકાલે શુક્રવારે એક મોકડ્રીલ યોજવામાં આવશે. જેથી જરૂર પડે ત્યારે યુધ્ધના ધોરણે આ પ્લાન્ટસનો ઉપયોગ કરી શકાય. આ ઉપરાંત જરૂર પડે તો તેની કેપેસીટી પણ વધારવામાં આવશે.