અમદાવાદમાં વર્ષ 2023ની જિલ્લા સંકલનની સૌ પ્રથમ બેઠક આજે કલેક્ટર કચેરી ખાતે મળી હતી. અમદાવાદ જિલ્લાના ધારાસભ્યો દ્વારા પોતપોતાના વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. જેમાં વિવિધ વિભાગો વચ્ચેની બાબતો અને પ્રશ્નોના નિરાકરણ અંગે ચર્ચા કરવાના મંચ તરીકે સંકલન બેઠકનો ઉપયોગ કરવા કલેક્ટરે અનુરોધ કર્યો હતો. અમદાવાદ જિલ્લા કલેક્ટર ડૉ. ધવલ પટેલની અધ્યક્ષતામાં મળેલી જિલ્લા સંકલન ની બેઠકમાં સ્થાનિક ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ જિલ્લા સંકલનની બેઠકમાં પાણી, આરોગ્ય વ્યવસ્થા, જળસિંચન, જમીન ફાળવણી સંબંધિત બાબતો, અમૃત સરોવર, આધાર કાર્ડ, ઈ-શ્રમ કાર્ડ વગેરે બાબતો અંગે વિગતે ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ યોજનાઓ અને કાર્યક્રમોની કામગીરી ની સમીક્ષા પણ કરવામાં આવી હતી. જેમાં જિલ્લાના ધારાસભ્યોની લેખિત તેમજ મૌખિક રજૂઆતો અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા. કલેક્ટર દ્વારા પરસ્પર સંકલનમાં રહીને દરેક પ્રશ્નોના યોગ્ય અને ઝડપી નિકાલ માટે સૂચના આપવામાં આવી હતી.
અમદાવાદ જિલ્લા સંકલનની બેઠકમાં સ્થાનિક ધારાસભ્યો અમિત શાહ, અમૂલ ભટ્ટ, અમિત ઠાકર, જિતેન્દ્ર પટેલ, હાર્દિક પટેલ, બાબુસિંહ જાદવ, પાયલ કુકરાની, ઇમરાન ખેડાવાલા વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. જેઓએ પોત પોતાના વિસ્તારના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. જિલ્લા સંકલનની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયા, અધિક નિવાસી કલેક્ટર સુધીરભાઈ પટેલ, નાયબ અધિક નિવાસી કલેક્ટર જોષી , પોલીસ અધિક્ષક અમિત વસાવા સહિતના ઉચ્ચ અધિકારીઓ તથા વિવિધ વિભાગના વડા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : Gujarat માં યાત્રાધામ પાવાગઢના વિકાસ માટે 183 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટસ હાથ ધરાશે