હોળી ધૂળેટીના પર્વ અને લોકઉત્સવોમાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે એ માટે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે જાહેરનામું બહાર પાડ્યું હતું. અમદાવાદમાં આગામી હોળી ધૂળેટીના પર્વની શાંતિપૂર્ણ ઉજવણી થાય તેમજ પર્વ દરમિયાન યોજાનારા વિવિધ મેળાઓમાં તેમજ ઉજવણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે એ માટે જાહેરનામા થકી કેટલાંક આદેશો કરવામાં આવ્યા છે. આ જાહેરનામુ 03-03-2023થી તારીખ 10-03-2-23 સુધી અમલી રહેશે.
હોળી ધૂળેટીના તહેવારમાં કોઇ પણ વ્યક્તિ કે મંડળીઓ જાહેર સ્થળો અને માર્ગો ઉપર આવતા જતા રાહદારીઓ, વાહનચાલકો, મકાન કે મિલ્કતો ઉપર તેમજ આવતા જતા વાહનોમાં મુસાફરી કરી રહેલા મુસાફરો ઉપર કે વાહનમાં રહેલા માલ સામાન ઉપર કાદવ કિચડ, રંગ અથવા રંગ મિશ્રિત પાણી, તેલ તથા તેવી કોઇ વસ્તુ ભરેલા ફુગ્ગા, પ્લાસ્ટીકની થેલી કે વસ્તુ નાંખવી-નખાવવી નહી. આ પ્રકારની પ્રવૃતિથી જાહેર જનતાને અચડણ, ત્રાસ કે ઇજા થવાની શકયતા નકારી શકાય નહીં. તેમજ આ પ્રકારના કૃત્યોથી સુલેહ શાંતિનો ભંગ થઈ શકે છે જેથી શહેરમાં આવા કૃત્યો પર પ્રતિબંધ મૂકવો જરૂરી છે.
આ તહેવાર દરમ્યાન પૈસા ઉઘરાવવા નહીં કે જાહેર માર્ગો ઉપર પથ્થર આડશ મુકીને કે અન્ય રીતે અવરોધ કરી આવતા – જતા વાહનોને રોકવા નહીં.
આ હુકમનો ભંગ કરનાર કે ઉલ્લંઘન કરનાર ભારતીય ફોજદારી અધિનિયમ -45ની કલમ 188 મુજબ શિક્ષાને પાત્ર થશે.
નોંધનીય છે કે હોળી ધૂળેટીના તહેવારમાં લોકો રસ્તા ઉપર રંગે રમવા નીકળતા હોય છે તો કેટલાક લોકો આવતા જતા લોકો ઉપર રંગ ઉડાડતા હોય છે જેના કારણે નોકરિયાત વર્ગ કે કામ અર્થે આવેલા મુસાફરો મુશ્કેલીમાં મૂકાઈ શકે છે. તે સંદર્ભે તહેવારમાં કોઈ અડચણ ઉભી ન થાય તે માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.