ચોમાસુ (Monsoon) શરૂ થતાં શહેરમાં જાણે સમસ્યાની પણ રેલમછેલ થતી હોય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદ શરૂ થતા શહેરમાં સમસ્યાઓ શરૂ થઈ ગઈ છે. વરસાદી પાણી ભરાવાને લઈને રસ્તાઓની હાલત ખરાબ થઈ જાય છે. તેમાં પણ જ્યાં ચોમાસા પહેલા કામ શરૂ થયું જે કામ હજુ સુધી પૂર્ણ નથી થયું તે વિસ્તારની હાલત હાલ વધુ ખરાબ છે.
અમદાવાદના (Ahmedabad) નરોડા વિસ્તારમાં શાલીન સ્કૂલ પાસેના રસ્તાને RCC રસ્તો બનાવવાનું કામ પ્રથમ લોકડાઉન પહેલા શરૂ કર્યું. જ્યારે કામ શરૂ કર્યું, ત્યારે તંત્ર દ્વારા 6 મહિના હાલાકી પડશે તેવું સ્થાનિકોને જણાવ્યું તેવું સ્થાનિકોનું કહેવું છે. જોકે તેને દોઢ વર્ષ ઉપર સમય પસાર થયો પણ હજુ સુધી RCC રસ્તો બની નથી રહ્યો. તેમજ ચોમાસુ માથે આવી જતા સ્થાનિકોની હાલત કફોડી બની. જ્યાં સ્થાનિકોને અધૂરા રસ્તે ઘરે કે સોસાયટીમાં જવામાં તકલીફ પડી રહી છે તો વરસાદી પાણી ભરાવવા જેવી પણ સમસ્યા સતાવી રહી છે.
બીજી તરફ વિરાટનગરમાં ખરાબ રસ્તાથી લોકો પરેશાન છે. વિરાટનગર પૂર્વ ઝોન કચેરી બાદ કેનાલથી લઈને રિંગ રોડ સુધી એક વર્ષથી હાલાકી પડતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. મળતી માહિતી પ્રમાણે રસ્તા ખોદી ગટર લાઈન નાખવામાં આવી છે પણ યોગ્ય પુરાણ નહીં કરતા રસ્તાનો કોઈ વપરાશ નથી થઈ રહ્યો તો કેટલાક સ્થળે એક તરફનો રસ્તો જ બંધ છે તો અધૂરી કામગીરીના કારણે રસ્તાની હાલત ખરાબ બની છે. જે ખરાબ રસ્તાને લઈને અકસ્માતની ભીતિ સ્થાનિકોએ વ્યક્ત કરી. સાથે જ યોગ્ય નિકાલ લાવવા પણ સ્થાનિકોએ માંગ કરી. માત્ર 3 કિલોમીટરના રસ્તાની હાલત ખરાબ હોવાથી હજારો સ્થાનિકો પરેશાન છે.
વધુમાં નરોડા GIDCમાં સ્થાનિકો ગટરના ઉભરાતા ગંદા પાણીથી પરેશાન છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે 6 મહિનાથી તેમના વિસ્તારમાં ગટર ઉભરાઈ રહી છે જેના કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે. જેની સ્થાનિકોએ નરોડા GIDC અને AMCને જાણ કરી છે. જોકે તેમ છતાં સમસ્યાનો કોઈ નિકાલ નહીં આવ્યાનું જણાવ્યું. સાથે જ સમસ્યા દૂર કરવા માંગ કરી.
ત્યારે આ તમામ સમસ્યાને લઈને AMCના વોટર એન્ડ સુએજ કમિટી ચેરમેને ગટર લાઈન નખાયા બાદની કામગીરી અંગે તપાસ કરી સમસ્યા નિકાલ લાવવા બાંહેધરી આપી તો વિપક્ષે પણ શહેરમાં ખરાબ રસ્તાને લઈને સતાપક્ષ પર નિશાન સાધ્યું છે. સાથે જ શહેરીજનોની સમસ્યાનો નિકાલ લાવવા માંગ કરી છે. ત્યારે જોવાનું રહે છે કે શહેરીજનોની સમસ્યા ક્યારે અને કેવી રીતે દૂર થાય છે. સ્થાનિકો માટે ઉભી કરવામાં આવેલી સુવિધાનો લાભ તેઓ ક્યારે માણી શકે છે.
આ પણ વાંચો : લો બોલો, સુરતમાં 1.65 લાખ નળના જોડાણ ગેરકાયદેસર છે, હવે મનપા તેને કાયદેસર કરવા મથે છે
આ પણ વાંચો : Ahmedabad : .પૂત્ર પરની આફતને અવગણીને, કમાન્ડોએ બે વ્યક્તિના જીવ બચાવ્યા