Ahmedabad: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં(Civil Hospital)112 મુ અંગદાન(Organ Donation) થયું છે. જેમાં રાજકોટના ૩૦ વર્ષીય મુકેશભાઈ રાણા પરિવાર સાથે બાઇક પર મુસાફરી કરી રહ્યા હતા આ દરમિયાન તેમને માર્ગ અકસ્માત સાંપડયો છે. જેમાં પત્ની અને પુત્રને પણ ઇજાઓ પહોંચી હતી. મુકેશભાઇના માથાના ભાગમાં ગંભીર ઈજા હોવાથી રાજકોટથી સઘન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. અહીં તબીબોના અથાગ પ્રયત્ન અને સઘન સારવારના અંતે 27 મે ના રોજ તેઓને બ્રેઇનડેડ જાહેર કરાયા.
આ સમયે તેમના પત્ની રાજકોટની હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા હતા.ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોક્ટર તીર્થ અને અંગદાનની સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલા દિલીપ દેશમુખ( દાદા ) એ અમદાવાદથી રાજકોટ પ્રવાસ ખેડી તેમના પરિવારજનો સમક્ષ પહોંચ્યા. મુકેશભાઈ ના બ્રેઇનડેડ થયાનો સમગ્ર ચિતાર રજુ કરીને તેઓને અંગદાન અંગેની સમજ આપી હતી.
જેનાથી પ્રેરણા લઈ રાણા પરિવારે એક જૂથ થઈને મુકેશભાઈના તમામ અંગોનુ દાન કરવાનો નિર્ણય કર્યો. અંગોના રીટ્રાઇવલની સમગ્ર પ્રક્રિયાના અંતે બે કિડની અને એક લીવરનુ દાન મેળવવામાં સફળતા મળી છે. સમગ્ર રાજ્યમાં પ્રવર્તેલી અંગદાનની જનજાગૃતિના પરિણામે આજે રાજ્યમાં અંગદાનની સેવાકીય પ્રવૃતિ વેગવંતી બની છે
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 6:26 am, Tue, 30 May 23