Ahmedabad : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લોકોને સુવિધાઓ ઝડપથી આપવાને બદલે લોકો પાસેથી ટેક્સના નામે પૈસા કઈ રીતે ઉઘરાવી તિજોરી ભરાય તેમાં માહેર છે. કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા બોપલ-ઘુમાની 40,000 જેટલી મિલકતોની આકારણી કરી 20થી 30 કરોડ ભેગા કરવાનું આયોજન કર્યું છે. કોર્પોરેશન દ્વારા બોપલ-ઘુમાની મિલકતોમાં ક્ષેત્રફળ મુજબ ટેક્ષ લેવામાં આવશે.
જેના કારણે મિલકતવેરાની રકમમાં બેથી ત્રણ ગણો વધારો થશે. ટેક્સની આકારણી જંત્રી મુજબ કરવામા આવી રહી છે, જેમાં ચાર ગ્રેડમાં વિસ્તારને વહેચવામાં આવ્યો છે.જેના કારણે બોપલ ઘુમાના નાગરિકોને નગરપાલિકા હતી. ત્યારે રો-હાઉસ અને ફ્લેટના બે રૂમ રસોડાના મકાનનો 1000 ટેક્સ ચૂકવતા હતા. તેમાં હવે લોકોને 3000 રૂપિયા સુધીનો ટેક્સ ચૂકવવો પડશે. બે ગણા ટેક્સ વધારાની સામે લોકોનો આક્ષેપ છે કે સુવિધાઓ મળી નથી. આજે પણ બોપલ અને ઘુમાના 70 ટકા વિસ્તારમાં નર્મદાના પાણી પહોંચ્યા નથી. રસ્તાઓ બનતા નથી અને સોસાયટીઓમાં લાઈટોની સુવિધા પણ પહોંચી નથી.
બોપલ- ઘુમાના વિસ્તારને A,B,C અને D એમ ચાર ગ્રેડ આપવામાં આવ્યા છે. જે વિસ્તારની જંત્રી 22,000 હજાર છે તે મિલ્કતોનો A ગ્રેડમાં, જ્યાં જંત્રી 13,500થી 22000 સુધીની છે તે મિલ્કતોને B ગ્રેડ, જ્યાં જંત્રી 6,751થી 13,500ની છે તે મિલકતોને C ગ્રેડ અને જે વિસ્તારની જંત્રી 6,751 સુધીની છે તે મિલ્કતોને D” ગ્રેડમાં સમાવેશ કરવામાં આવ્યો છે. A ગ્રેડની મિલકતો માટે 1.6 નો દર, B ગ્રેડ માટે 1.1નો દર, C ગ્રેડ માટે 0.9 તથા D ગ્રેડની મિલ્કતો માટે 0.6ના દર મુજબ ટેક્સની ગણતરી કરવામાં આવશે. ટેક્સના ભારણમાં વધારો થવા અંગે એએમસીના સત્તાધીશો કંઈ કહેવા તૈયાર નથી. જ્યારે બોપલ નગરપાલિકાના પૂર્વ વિપક્ષના નેતાએ આક્ષેપ કર્યો છે કે બેથી ત્રણ ગણો ટેક્સ ઉઘરાવવા માટે જ આ વિસ્તારનો એએમસીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
બોપલ નગરપાલિકા દ્વારા દર વર્ષે 8થી 9 કરોડ રૂપિયાની આકારણી કરવામાં આવી હતી. જેની સામે અંદાજે 6 કરોડની આવક થતી હતી. હવે કોર્પોરેશન જંત્રી અને ક્ષેત્રફળ મુજબ આકારણી કરી છે. જેનાથી મનપાને આ વિસ્તારમાંથી ટેક્સની 22 કરોડ જેટલી જંગી આવક થશે. મનપા દ્વારા અત્યાર સુધીમાં 40,000 મિલકતો પૈકી 18,500થી વધુ મિલકતોની આકારણી કરી દીધી છે અને જાન્યુઆરી 2022માં બોપલ ઘુમાના રહેવાસીઓને ટેક્સના બિલ મોકલી દેવામાં આવશે.