Ahmedabad: સોશિયલ મીડિયાનો ઉપયોગ જેટલો જ ફાયદાકારક છે તેટલો જ તેનો ઉપયોગ નુકસાનકારક પણ છે. કેમકે સૌથી વધુ યુવાધનને નુકસાન કરતો માદક પદાર્થ એટલે કે ડ્રગ્સ અને હવે યુવાઓ આ ડ્રગ્સ પણ ઓનલાઈન અને વિદેશથી મંગાવતા થઈ ગયા હોવાના કિસ્સા વધી રહ્યા છે. તાજેતરમાં જ અમદાવાદ સાઈબર ક્રાઇમ અને કસ્ટમ વિભાગ દ્વારા એક આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ હેરાફેરીનું રેકેટ પકડાયુ છે.
અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસ ખાતે અલગ અલગ પાર્સલો આવેલા હતા. જેમાં ડ્રગ્સ હોવાની માહિતીને આધારે પોલીસ દ્વારા ખાસ તેની ચકાસણી કરવામાં આવી હતી. પોસ્ટ ઓફિસમાં આવેલા આ જથ્થામાં મુખ્યત્વે પુસ્તકો અને રમકડા હતા. આ પુસ્તકો અને રમકડામાં ડ્રગ્સ હોવાનું માહિતી મળતા જ તાત્કાલિક પોલીસ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. અને છેલ્લા એક મહિનાની અંદર અલગ અલગ દેશમાંથી 20 જેટલા કુરિયરો આવેલા હતા. જેની ચકાસણી કરતા તેમાંથી ગાંજો અને કોકેઇન જેવા નશીલા પદાર્થ મળી આવ્યા હતા. પોલીસે કુરિયર મારફતે આવેલા કોકેન કે જે 2.31 ગ્રામ જેની કિંમત ₹2,31,000 માનવામાં આવે છે તેમજ ઉચ્ચ ગુણવત્તાનો ગાંજો કે જે પાંચ કિલોથી વધુ અને જેની કિંમત 46 લાખથી વધુ માનવામાં આવે છે. કુલ મળી 48 લાખથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો હતો.
ભારતમાં યુવાધનને બરબાદ કરવા માટે અલગ અલગ દેશોના માફીયાઓ પાર્સલ મારફતે હવે ડ્રગ્સનો જથ્થો ભારતમાં પહોંચાડી રહ્યા છે. ખાસ કરીને આ અલગ-અલગ નશીલા પદાર્થો રમકડા અને ચોપડીમાં મોકલે છે. જોકે સોશિયલ મીડિયા થકી ડ્રગ્સ માટેની જાહેરાતો આપવામાં આવતી હતી. જ્યારે પણ કોઈ આ ડ્રગ્સ માફિયાનો સંપર્ક કરતા ત્યારે તેમની પાસેથી ક્રિપ્ટો કરન્સીમાં ડ્રગ્સની કિંમત લેવામાં આવતી હતી અને ત્યારબાદ જ તેને ડ્રગ્સ સપ્લાય કરવામાં આવતું હતું.
વિદેશથી આવેલા કુરિયર ઉપરના સરનામા અને મોબાઈલ નંબર પણ ખોટા લખવામાં આવે છે. જ્યારે પણ કુરિયર ડિલિવર કરવાનું હોય છે ત્યારે તેમાં ડિલિવરી બોયના નંબર ડિસપ્લે થતા હોય છે. ડ્રગ્સ ખરીદનારા લોકો આ ડિલિવરી બોયનો સામેથી સંપર્ક કરી કુરિયર મેળવી લેતા હોય છે. હાલ તો સાયબર ક્રાઈમ દ્વારા જે પણ પાર્સલ આવેલા છે તેના ઉપર જે પણ એડ્રેસ અને ફોન નંબર આપેલા છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે પરંતુ આ તમામ એડ્રેસ અને ફોન નંબર ખોટા હોવાનું સામે આવ્યું છે. આમ છતાં પણ પોલીસ દ્વારા અમુક લોકોને આઇડેન્ટીફાય કરવામાં આવી રહ્યા છે.
વિદેશી ડ્રગ્સ પોસ્ટ મારફતે કેનેડા, યુએસએ અને ફૂકેટથી પાર્સલ મારફતે આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ કુરિયર ઉપર અલગ અલગ એડ્રેસ આપવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદ, સુરત અને બરોડા, નવસારી સહિતના ગામોve એડ્રેસ હતા. જે પ્રાથમિક તપાસમાં ખોટા હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 7:09 pm, Sat, 30 September 23