પૂર્વ વિસ્તારના રહીશો માટે સારા સમાચાર છે અને તે છે ખારીકટ કેનાલનું બ્યુટીફીકેશન. જી હા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગંદકીથી વખણાતી ખારી કટ કેનાલની છબી સુધારવા અને લોકોને નવી સુવિધા આપવા માટે 1200 કરોડના ખર્ચે ખારીકટ કેનાલમાં કામગીરી હાથમાં ધરવામાં આવી છે. જે કામગીરી હાલ બુલેટ ગતીએ આગળ વધારવામાં આવી રહી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં અંદાજીત 12.9 કિમી લાંબી ખારીકટ કેનાલ પણ ડેવલપ કરાશે.
ખારીકટ કેનાલમાં ગંદકીની સમસ્યા આજકાલની નહીં, પરંતુ વર્ષો જૂની સમસ્યા છે. જેના કારણે કેનાલની આસપાસ રહેતા લોકો ગંદકી અને ગંદકીથી થતી દુર્ગંધથી પરેશાન છે તો કેનાલમાં ઠલવાતા કેમિકલથી પણ લોકો પરેશાન છે. વર્ષોથી સ્થાનિકો આ સમસ્યા દૂર કરવા માટે તંત્રને રજૂઆત કરતા હતા. જે રજૂઆતને ગત વર્ષે લીલી ઝંડી મળી અને તે લીલી ઝંડી મળતા આ કેનાલમાંથી ગંદકી તો દૂર થશે જ સાથે કેનાલ બંધ કરીને તેના ઉપર રોડ સહિતની સુવિધાઓ પણ ઉભી કરાશે. જેથી કરીને સ્થાનિકોને પૂર્વ વિસ્તારમાં નવી સુવિધાઓ પણ મળી રહેશે.
ખાલીકટ કેનાલના કામને ગત વર્ષે લીલી ઝંડી મળતા ડિસેમ્બર મહિનાના અંતથી જ કેનાલ બ્યુટીફિકેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી. ઉલ્લેખનીય છે કે ખારીકટ કેનાલમાં વર્ષોથી લોકો કચરો અને કાટમાળ ઠલવતા આવ્યા છે. એટલે સ્વાભાવિક છે કે ખારીકટ કેનાલનું બ્યુટીફિકેશન કરવું હોય તો તે કચરો તંત્રને નડે અને તે જ કચરો દૂર કરવા માટે કોર્પોરેશન દ્વારા વિશેષ સફાઈ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે અને તેમાં પણ ચોમાસાને ગણતરીના મહિના બાકી હોવાથી પણ કેનાલની સફાઈ કરવી જરૂરી હોવાથી પણ સફાઈ અભિયાન હાથ ધરાયુ છે.
જેમાં તંત્ર દ્વારા શુક્રવારથી ખારીકટ કેનાલમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને શુક્રવારે જ તંત્ર દ્વારા કેનાલમાંથી 9 ટ્રેક્ટર જેટલો કચરો બહાર કાઢવામાં આવ્યો. આ કામગીરી નરોડાથી લઈને વટવા સુધી સ્ટેપ બાય સ્ટેપ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. કેમ કે કેટલાક પોર્શનમાં કેનાલના બ્યુટીફિકેશનનું કામ ચાલુ છે તો કેટલાક પોર્શનમાં કામ નથી ચાલુ તે જગ્યા ઉપર તંત્ર દ્વારા કેનાલમાંથી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેથી કરીને કેનાલની સફાઈ થતાં તે કચરો બ્યુટીફીકેશનના કામમાં અડચણ રૂપ ન બને અને બ્યુટીફિકેશનની કામગીરી બુલેટ ગતિએ આગળ વધી શકે.
1200 કરોડના ખર્ચે ખારીકટ કેનાલનું બ્યુટીફિકેશન થાય એટલે સ્વાભાવિક છે કે કેનાલ ઉપર તે પ્રકારની સુવિધા પણ લોકો માટે ઊભી કરવામાં આવશે. એટલે કે ડિસેમ્બર મહિનામાં શરૂ કરવામાં આવેલી આ કામગીરી પૂર્ણ થતા લોકોને નવો રસ્તો મળશે. સાથે બાગ બગીચા અને અન્ય સુવિધાઓ પણ આ કેનાલ ઉપર મળી રહેશે. જેના કારણે પૂર્વ વિસ્તારમાં નવી રોનક ઉમેરાશે. ત્યારે લોકો પણ રાહ જોઈ રહ્યા છે કે ખારીકટ કેનાલના બ્યુટીફિકેશનની કામગીરી જલ્દીથી જલ્દી પૂર્ણ થાય. અને નવી સુવિધા પણ તેઓને જલ્દીથી મળી રહે.