
આજે જુનિયર કલાર્કની પરીક્ષા લેવાઈ રહી છે ત્યારે અમદાવાદમાં વિવિધ 494 કેન્દ્ર પર અંદાજે 1.44 લાખ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. સવારથી જ પરીક્ષા કેન્દ્ર ખાતે ખાસ વ્યવસ્થા જોવા મળી રહી છે તો દૂર દૂરથી આવેલા પરીક્ષાર્થીઓ સવારથી જ પરીક્ષા કેન્દ્ર ખાતે જોવા મળ્યા હતા.
તમામ પરીક્ષા કેન્દ્ર ઉપર સીસીટીવી મોનિટરિંગ સાથેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ પરીક્ષાર્થીઓને પણ નિયમના તમામ પાલન કરવા માટે જણાવ્યું છે. અમદાવાદમાં પરીક્ષા માટે 4 સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. તે પૈકી
ગાયત્રી વિદ્યાલય રાણીપ અને ગુજરાત કોલેજમાં 2-2 સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે.
સ્ટ્રોંગ રૂમમાંથી તમામ પ્રક્રિયાનું રેકોર્ડિંગ થઈ રહ્યું છે. તેમજ પરીક્ષા સાહિત્યના ડિસ્પેચની પણ શરૂઆત કરવામાં આવી હતી.
સરકાર દ્વારા વિશેષ એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી છે જોકે પેપર લીક બાદ દૂર દૂરના સેન્ટરમાં પરીક્ષાર્થીઓને જવું પડે છે તેથી અગવડતા પડતી હોવાનું પણ જણાવ્યું હતું. પરીક્ષાર્થીઓએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા સારી વ્યવસ્થા કરવામાં આવી છે બસ હવે પેપર ન ફૂટે તો લોકોનું ભવિષ્ય સુધરી શકે છે. કેટલાક પરીક્ષાર્થીઓએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં પેપર લીક થવાને કારણે જે નજીકના સેન્ટર હતા તે હવે બદલીને ખૂૂબ દૂર કરી દેવામાં આવ્યા છે જોકે સરકાર વિદ્યાર્થીઓને ભાડાના નાણા ચૂકવી દેશે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.
જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઇને એસ.ટી. નિગમ તેમજ રેલવે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષાર્થીઓને પરીક્ષા સ્થળે પહોંચવામાં સરળતા રહે તે માટે એસ.ટી. નિગમ દ્વારા 6000 જેટલી બસો દોડાવવામાં આવી રહી છે. તો રેલવે દ્વારા પણ વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે.
બપોરે 12-30 વાગ્યે પરીક્ષા શરૂ થશે, પરંતુ ઉમેદવારોએ કોઇ પણ સંજોગોમાં 11-45 વાગ્યા સુધી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી જવાનું રહેશે. તેમજ તેમણે વર્ગખંડની અંદર પણ અડધો કલાક પહેલાં પહોંચી જવાનું રહેશે. બાદમાં કોઈપણ ઉમેદવારને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
(વિથ ઇનપુટ દર્શલ રાવલ, નરેન્દ્ર રાઠોડ )