Ahmedabad: અમદાવાદમાં 1 હજાર 651 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે સભા સંબોધી. જેમાં તેમણે મહિલા અનામત, G20ના આયોજન, વિશ્વકર્મા યોજના સહિત કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ લોકો સમક્ષ વર્ણવી. ત્રાગડ ગામમાં નવનિર્મિત તળાવ અને લલિતા ગોવિંદ ઉદ્યાનનું લોકાર્પણ કરવામાં આવ્યું. અમિત શાહના હસ્તે આવાસ યોજનાના લાભાર્થીઓને તેમના ઘરની ચાવી આપવામાં આવી.
આ પ્રસંગે અમિત શાહે મહિલા અનામત બિલ પાસ થવા મુદ્દે પીએમ મોદીના વખાણ કર્યા. તેમણે કહ્યું કે વર્ષોથી લકટતું, અટકતું અને ભટકતું મહિલા અનામત બિલ પસાર કરવામાં આવ્યું. નવી સંસદમાં નવી સંસદમાં કોઈ વિઘ્ન ન આવે એટલે ગણેશ ચતુર્થીના દિવસે જ તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને પહેલું કામ નારી શક્તિ વંદન બિલ પસાર કરવાનું કર્યું.
આ લોકાર્પણ-ખાતમુહૂર્ત પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કાર્યરત રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકાની સમગ્ર ટીમે નાગરિકોને માગ્યા પહેલા જ સુવિધાઓ આપી છે. સર્વસમાવેશી વિકાસના અભિગમની પ્રશંસા કરતા તેમણે ઉમેર્યું કે વિકાસ કાર્યોની ભેટમાં શહેરનો એક પણ વોર્ડ છૂટતો નથી. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં જ છેલ્લા બાવન મહિનામાં 17,544 કરોડના ખર્ચે 11,000 વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે. જે બદલ ગાંધીનગરના સાંસદ તરીકે તેમણે રાજ્ય સરકારનો આભાર માનીને સ્થાનિકોને અભિનંદન પાઠવ્યા.
અમિત શાહે જણાવ્યું કે, એક કામ કરતા 50 વર્ષ લાગે એવા ચાર કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં માત્ર ત્રણ મહિનામાં થયા. તેમણે કહ્યું કે વડાપ્રધાનની આગેવાનીમાં G20 સમિટનું અભૂતપૂર્વ આયોજન વિશ્વ સ્તરે ખ્યાતિ પાત્ર બન્યું જેમાં સર્વાનુમતે દિલ્હી ડેકલેરેશનની સ્વીકૃતિ સૌ ભારતીયો માટે ગૌરવની વાત છે. તેમણે કહ્યું કે, આફ્રિકન યુનિયનને G20 સંગઠનમાં સમાવી પીએમ નરેન્દ્ર મોદીએ ભારત વિકસિત અને વિકસતા દેશોની સાથે છે તેવો સંદેશ વિશ્વને આપ્યો છે. G20નું આવું સફળ આયોજન અન્ય દેશો માટે એક ચેલેન્જ બની જશે. એમ તેમણે ઉમેર્યું હતું.
મિશન ચંદ્રયાનનો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું કે, ચંદ્રયાન પર તિરંગો લહેરાતો નિહાળવો એ આપણા સૌનું સૌભાગ્ય છે. ઈસરોને વિશ્વની શ્રેષ્ઠ અવકાશ સંસ્થા બનાવવાનો લક્ષ્ય પીએમ નરેન્દ્ર મોદીએ રાખ્યો હોવાનું જણાવી તેમણે ઇસરોના કાયાપલટનો શ્રેય વડાપ્રધાનને આપ્યો.
અમિત શાહે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતૃશક્તિના સન્માનનું શ્રેષ્ઠ ઉદાહરણ નારી શક્તિ વંદના અધિનિયમ થકી આપ્યું છે. તેમણે કહ્યું કે આ કાયદાથી મહિલા શક્તિને નેતૃત્વમાં ભાગીદારી આપી મહિલા સન્માનના આપણા પ્રાચીન સંસ્કારોને કાયદાના વાઘા પહેરાવવામાં આવ્યા છે. નવી સંસદમાં પહેલું બિલ પસાર કરીને કેન્દ્ર સરકારે મહિલાઓનું સન્માન વધાર્યું છે એમ તેમણે ઉમેર્યું.પીએમ વિશ્વકર્મા યોજનાની પ્રશંસા કરી અમિત શાહે કહ્યું કે, 20થી વધુ પ્રકારનું કામ કરતા કારીગરોને એક તાંતણે બાંધવાનું કામ આ યોજનાથી થયું.
આ પણ વાંચો: ક્રિકેટનો “મિલ્ખા સિંહ” : 13 હજારથી વધુ રન બનાવવા વિરાટ કોહલી કેટલા કિલોમીટર દોડ્યો ? જાણો ખાસ રેકોર્ડ
તેમણે કહ્યું કે, આઝાદી બાદ પહેલીવાર પરંપરાગત કામ કરતા કારીગરોને યોજનામાં સામેલ કરાયા છે. જેનાથી છેવાડાના માનવીઓને સમાનતાનો અહેસાસ થયો છે. એમ તેમણે ઉમેર્યું હતું.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 12:02 am, Sun, 1 October 23