Ahmedabad : પહેલા 200થી 250 રૂપિયે કિલો મળતા લાલ ટામેટાએ (tomato) લોકોને રડાવ્યા. જે ટામેટાના ભાવ હાલ 80થી 100 પહોંચતા લોકોને રાહત મળી છે, પરંતુ હવે તીખી ડુંગળીએ લોકોને રડાવાનું શરૂ કરી દીધું છે. કેમ કે ટામેટા અને શાકભાજીના ભાવ ઘટયા પણ ડુંગળીના ભાવમાં હવે વધારો નોંધાયો છે.
છેલ્લા બે મહિનાથી શાકભાજીના ભાવ અને તેમાં પણ ટમેટાના ભાવ આસમાને હતા. ટમેટા 15 દિવસ પહેલા બજારમાં કિલોના 200થી 250 રૂપિયા હતા. ત્યારે હવે ટામેટાની આવક શરૂ થતાં તેના ભાવમાં ઘટાડો થયો છે. હાલ ટામેટા 100 રૂપિયાની આસપાસ બજારમાં મળી રહ્યા છે. પરંતુ હવે ડુંગળીએ લોકોને રડાવવાનું શરૂ કર્યું છે.
આમ તો ડુંગળી તીખી હોય એટલે લોકોને રડાવે, પરંતુ તેના ભાવે હવે લોકોને રડાવવાનું શરૂ કર્યું છે. આ એટલા માટે કહેવું પડી રહ્યું છે, કારણ કે એક જ સપ્તાહમાં રિટેઇલ બજારમાં ડુંગળીના ભાવ 10થી 15 રૂપિયા જેટલા ઊંચકાયા છે. જેના કારણે હવે લોકોના બજેટ પર અસર સર્જાઇ છે.
ડુંગળી એક સપ્તાહ પહેલા એપીએમસી બજારમાં પ્રતિ કિલો 20 રૂપિયા આસપાસ મળતી હતી. જ્યારે જમાલપુર રિટેઇલ બજારમાં 30 રૂપિયા આસપાસ મળતી હતી. પરંતુ એક જ સપ્તાહમાં આ ભાવમાં વધારો નોંધાયો છે. જેમાં એપીએમસીમાં હાલ આ ડુંગળી 25થી 30 રૂપિયા ભાવે મળી રહી છે. જ્યારે રિટેઇલ બજારમાં 40 રૂપિયે કિલો ડુંગળી મળી રહી છે. તો શહેરમાં વિસ્તાર પ્રમાણે ભાવ વધુ જોવા મળી રહ્યો છે. કે જ્યાં કેટલાક વિસ્તારમાં 50થી 60 રૂપિયા કિલો ડુંગળી મળી રહી છે.
ભાવ વધવાના કારણે જે વાનગીમાં ડુંગળીનો ઉપયોગ થતો હોય છે. તેમાં હવે ઘટાડો જોવા મળી રહ્યો છે. વેપારીઓની વાત માનીએ તો બજારમાં ડુંગળી નાશિક, પુને, કાઠીયાવાડ અને સૌરાષ્ટ્રમાંથી આવતી હોય છે. જેમાં હાલ સૌરાષ્ટ્ર અને કાઠીયાવાડથી ડુંગળી આવવાનું બંધ છે અને માત્ર નાશિક અને પુણેથી ડુંગળી આવી રહી છે. જોકે ત્યાં વરસાદની અસરના કારણે ડુંગળીને નુકસાન થતાં અને આવક ઓછી થતા ભાવમાં વધારો નોંધાયો છે અને હજુ પણ આ ભાવ વધવાની શક્યતા વેપારીઓ સેવી રહ્યા છે.
ટામેટાના ભાવમાં 50 ટકા જ્યારે અન્ય શાકભાજીના ભાવમાં 30 થી 40 ટકા ઘટાડો નોંધાયો છે. જોકે તેની સામે ડુંગળીના ભાવમાં 20 ટકા ઉપર વધારો નોંધાયો છે. તો હજુ પણ ડુંગળીના ભાવ 40 ટકા જેટલા વધવાની શકયતા છે. ત્યારે લોકો ઇચ્છી રહ્યા છે કે ડુંગળીના ભાવમાં વધારો ન આવે. કેમ કે ભાજીપાઉ હોય કે સલાડ હોય કે અન્ય શાક હોય કે જેમાં ડુંગળીની ગ્રેવી કે ડુંગળીનો ઉપયોગ થતો હોય છે. તેથી ભાવના કારણે તેનો સ્વાદ ફિકો પડી શકે છે.
અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો