Ahmedabad: સામાન્ય રીતે ચાર રસ્તા પર ઉભેલા ટ્રાફિક પોલીસ સફેદ કલરની હેલ્મેટ પહેરતા હોય છે, પરંતુ છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદના ત્રણ જગ્યા ઉપર આ હેલ્મેટ ચર્ચાનો વિષય બની છે. ટ્રાફિક પોલીસ કર્મચારીએ સફેદ કલરનું હેલ્મેટ તો પહેર્યું છે પરંતુ તે હેલ્મેટ અલગ પ્રકારનું દેખાઈ રહ્યું છે. કેમકે આ હેલ્મેટ એક અન્ય ડીવાઈસ સાથે કનેક્ટ થયેલું જોવા મળે છે. ટ્રાફિક પોલીસની કમર સાથે લગાવેલા એક યુનિટ સાથે આ હેલ્મેટ કનેક્ટ કરવામાં આવ્યું છે. અહીંથી નીકળતા લોકો વિચારે છે કે વળી આ કયા પ્રકારનું હેલ્મેટ છે.
અમદાવાદની કાળઝાળ ગરમી વચ્ચે પોતાની ફરજ બજાવતા ટ્રાફિક પોલીસકર્મીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા છે. આ ટ્રાફિક પોલીસકર્મીઓને ગરમીમાંથી થોડીઘણી રાહત મળેે તે હેતુથી હાલ પ્રાયોગિક ધોરણે ગૃહવિભાગ દ્વારા AC હેલ્મેટ લાવવામાં આવ્યુ છે.
હાલ એક મહિલા પોલીસકર્મી અને બે પુરુષ પોલીસકર્મીને આ AC હેલ્મેટ આપવામાં આવ્યુ છે. તેઓ પાંચ દિવસ સુધી આ હેલ્મેટ પહેરશે અને ત્યારબાદ તેઓ તેમનો અનુભવ જણાવશે, તેમના અનુભવને આધારે આ પ્રયોગ આગળ ધપાવવો કે કેમ તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. જેના આધારે ગૃહવિભાગ અને સરકાર આ હેલ્મેટને લઈને યોગ્ય નિર્ણય કરશે. ત્યારે આવો જોઈએ શું છે આ હેલ્મેટની વિશેષતા.
આ એક ખાસ પ્રકારનું ગરમીમાં ઠંડક આપતુ AC હેલ્મેટ છે. સામાન્ય હેલ્મેટની જેમ જ તેને બેલ્ટથી અંદરની સાઈઝ નાની-મોટી કરી શકાય છે. તેની ખાસ ડિઝાઈનને કારણે તે કોઈપણ વ્યક્તિને માથા ફીટ થઈ જશે. આ હેલ્મેટમાં અંદર એક નાનકડી મોટર થકી એકઝોસ્ટ ફેન આપવામાં આવ્યો છે. જે અંદરની ગરમ હવાને બહાર ફેંકે છે.
હેલ્મેટમાં ટેમ્પરેચર સેટ કરવા માટેની પણ સુવિધા આપવામાં આવી છે. જેનાથી અંદરનું ટેમ્પરેચર સેટ થઈ શકે છે. આ હેલ્મેટને બેટરી વડે ચલાવી શકાય છે. તેની બેટરી ચાર્જ કરવા માટે પણ કેબલ પણ આપવામાં આવ્યો છે. બેટરીને બેલ્ટ વડે સેટ કરવામાં આવી છે. જે ટ્રાફિક કર્મચારી પોતાની કમર પર આરામથી બાંધી શકે છે અને તેના દ્વારા આ હેલ્મેટનું ઓપરેટિંગ કરી શકે છે.
આ પણ વાંચો: Ahmedabad : હાટકેશ્વર બ્રિજ કાંડમાં AMCના વધુ એક અધિકારીની ધરપકડ, જૂઓ Video
હાલતો આ એસી હેલ્મેટ પ્રાયોગિક ધોરણે આપવામાં આવ્યું છે. એસી હેલ્મેટના ફાયદાની સાથે અમુક ગેરફાયદા પણ છે. જોકે પાંચ દિવસ બાદ હેલ્મેટનો રિપોર્ટ ડીજીપીને સોંપવામાં આવશે. જેમાં કર્મચારીઓ દ્વારા જે પણ સુધારા સૂચવવામાં આવશે અથવા તો એસી હેલ્મેટ પહેરી શકાય કે નહિ પહેરી શકાય તેનો સ્પષ્ટ અભિપ્રાય આપવામાં આવશે તો તે મુજબ એસી હેલ્મેટ મામલે વિચાર કરવામાં આવશે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો