
અમદાવાદમાં (Ahmedabad) હવે ગ્રાહકો પણ જાગૃત થયા છે. આવું એટલા માટે કેમકે એક ગ્રાહકની (Customer) ફરિયાદને પગલે સાયન્સ સિટી પર આવેલા મેકડોનાલ્ડ (McDonald’s) રેસ્ટોરન્ટને રૂપિયા 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમજ રેસ્ટોરન્ટને કોર્પોરેશને સીલ માર્યું હતું. ત્યારે યોગ્ય તપાસ બાદ ફરી રેસ્ટોરન્ટ ખુલી શકશે તો કેવી રીતે તમારી એક ફરિયાદ તંત્રને કાર્યવાહી કરવા માટે મજબૂર કરી દે છે અમે તમને જણાવીશું.
જો એક જાગૃત ગ્રાહક પોતાની સાથે અન્યાય થાય અને સમયસર ફરિયાદ કરે તો ચોક્કસથી ન્યાય મળે છે. અમદાવાદમાં સાયન્સ સિટી વિસ્તારમાં આવેલા મેકડોનાલ્ડને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂપિયા 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જે દંડની રકમ મેકડોનાલ્ડ દ્વારા ભરી દેવાઈ છે. આવું એટલા માટે શક્ય બન્યું છે કેમકે એક ગ્રાહકના કોલ્ડ ડ્રીંકમાં મરેલી ગરોળી મળી આવી હતી. જેની તરત જ ફરિયાદ કરવામાં આવી. ગ્રાહકે ટ્વિટરના માધ્યમથી મ્યુનિસિપલ કોર્પોરેશનને ફરિયાદ કરી. જે ફરિયાદ બાદ તરત કાર્યવાહી કરાઈ.
21 મેના રોજ ભાર્ગવ જોશી નામના યુવકે થોડું કોલ્ડડ્રીંક પીધું જે બાદ ગ્લાસમાં રહેલા કોલ્ડડ્રિંકમાંથી મરેલી ગરોળી ઉપર આવી ગઈ. ગ્રાહકનો આરોપ છે કે તેને 2 કલાક સુધી કોઈ જવાબ આપવામાં ન આવ્યો. અંતે ગ્રાહકે આ વિશે ફૂડ અને ડ્રગ્સ વિભાગ, મીડિયા અને પોલીસને જાણ કરી હતી. પરિણામે એકમને સીલ મારી દેવાયું. જોકે એવું નથી કે આવું શહેરમાં પહેલીવાર બન્યું હોય. અગાઉ પણ આવી અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે. જેમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવ્યા હોય.
અગાઉ અનેક ઘટના બની જેમાં ભોજનમાંથી મરેલા જીવજંતુઓ મળી આવ્યા હોય. ત્યારે કોર્પોરેશનના આરોગ્ય વિભાગે આ વર્ષે જે સેમ્પલની ચકાસણી કરી તેના આંકડા પર નજર કરીએ તો જાન્યુઆરીમાં 133 સેમ્પલ લેવાયા જેમાંથી 6 સેમ્પલ મિસબ્રાન્ડેડ અને 2 સબસ્ટાન્ડર્ડ નિકળ્યા. ફેબ્રુઆરીમાં 147 સેમ્પલમાંથી 1 મિસબ્રાન્ડેડ અને 6 સબસ્ટાન્ડર્ડ નીકળ્યા. માર્ચમાં 135 સેમ્પલમાંથી 1 મિસબ્રાન્ડેડ અને 16 સબસ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું તો એપ્રિલમાં 52 સેમ્પલમાંથી કોઈ ખામી જોવા ન મળી, મે મહિનામાં 133 સેમ્પલમાંથી 3 મિસબ્રાન્ડેડ અને 1 સબસ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું તો જૂનમાં અત્યાર સુધીમાં 25 સેમ્પલ લેવાયા તેમાં પણ કોઈ ખામી જણાઈ નથી.
જોકે આશ્ચર્યની વાત તો એછે કે આ વર્ષે આટલા સેમ્પલ લેવાયા તેમાંથી એકપણ સેમ્પલ અસુરક્ષિત હોવાનું સામે આવ્યું નથી. શહેરમાં જે રીતે ભોજનમાંથી જીવજંતુઓ મળી રહ્યા છે તે ચિંતાજનક છે તો બીજીબાજુ એ પણ જરૂરી છે કે લોકો આગળ આવે અને લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મુકનારાઓ સામે તરત જ ફરિયાદ કરે.