અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) ગઈ કાલે અમદાવાદ આવ્યાના ગણતરીની કલાકોમાં જ તેમણે અને આપના નેતા ઈશુદાને ટ્વીટ દ્વારા વિવાદનો મધપુડો છેડ્યો. આપ(AAP)ના નેતા દ્વારા આરોપ લગાવાયા કે પોલીસે તેમના કાર્યલાય પર ખોટી રીતે સર્ચ કર્યું છે. મોડી રાત્રે થયેલા ટ્વીટથી સ્વાભાવિક હોબાળો મચવાનો જ હતો, મીડિયાકર્મીઓ જ્યારે આપના કાર્યાલય પર પહોંચ્યા ત્યારે ખુલાસો થયો કે, સર્ચ આમ આદમી પાર્ટી(Aam Admi Party)ના મુખ્ય કાર્યાલય પર નહીં, પરંતુ નજીકમાં થોડા દિવસ પહેલા શરૂ કરેલી બેક ઓફિસમાં થયું છે.
બીજી તરફ અમદાવાદ પોલીસના સિનિયર અધિકારીઓ પણ હાંફળાંફાંફળાં થઈ ગયા અને હકીકત શું બન્યું છે તે જાણવા મોડી રાત સુધી જાગ્યા. વિવાદના વાદળો બાંધીને બન્ને પક્ષ રાત્રે શાંત રહ્યાં અને સવારે પોતપોતાની રીતે ખુલાસો આપ્યો. અમદાવાદ પોલીસે પણ ટ્વીટનો જવાબ ટ્વીટથી આપ્યો અને સર્ચની વાતનું ખંડન કર્યું. બીજી તરફ આપના નેતા ઈશુદાન અને ગોપાલ ઈટાલીયાએ પ્રેસ કોન્ફરન્સ કરી રાતની વાત મીડિયા સમક્ષ મુકી.
જો કે, આ પ્રેસમાં પત્રકારો વારંવાર પુછતા રહ્યાં કે, આપની બેક ઓફિસ છે તો ત્યાં કોઇ સીસીટીવી ફુટેજ, તેમના કાર્યકરો દ્વારા સર્ચ સમયે મોબાઈલથી કોઈ વીડિયો બનાવ્યો હોય તો તે રજૂ કરો. એટલું જ નહીં મીડિયા દ્વારા બેક ઓફિસ કઈ? તે પણ પુછવામાં આવ્યું, પરંતુ વાકપટુતામાં અવ્વલ નેતાઓએ ઓફિસ એડ્રેસ આપવાનું ટાળ્યું. માત્ર એટલો જ ઉલ્લેખ કરવામાં આવ્યો કે, ત્યાં આમ આદમી પાર્ટીનો સંવેદનશીલ ડેટા છે અને ડેટાનું એનાલીટીક કામ ત્યાં કરવામાં આવતું હતુ.
બીજી તરફ જે પોલીસે સવારે ટ્વીટ કરીને “આપ”ના આરોપોને નકારી કાઢ્યા હતા તે પોલીસ બે કલાકમાં “આપ”ની જે ડેટા ઓફિસની વાત હતી તે શોધીને ત્યાં પહોંચી ગઈ અને ઓફિસ કોની છે અને કોણે ભાડે આપી છે, ઉપરાંત રાત્રે જે ઘટનાનો આરોપ પોલીસ પર લાગ્યો ત્યારે ત્યાં કોણ કોણ હતુ તે તપાસ શરૂ કરી છે.
એક સિનિયર પોલીસ અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતુ કે આપના નેતાઓ જ્યાં ડેટા એનાલિસિસનું કામ થતું હતુ ત્યાં કોણ કોણ હાજર હતા તે વાત છુપાવી રહ્યાં છે. જે લોકો રાત્રે કથિત સર્ચ સમયે હાજર હતા તે હાલ ક્યાં છે? કયા રાજ્યના છે? અને ત્યાં શુ કરી રહ્યાં હતા?તે છુપાવી રહ્યાં છે. “ઉલ્ટા ચોર કોતવાલ કો ડાટે” જેવો ઘાટ ઘડાયો છે.
આપ દ્વારા લગાવાયેલા આરોપને લઈને સિનિયર પોલીસ અધિકારીઓ લડી લેવાના મૂડમાં આવી ગયા છે અને “ઓફ રેકોર્ડ” કહી રહ્યાં છે કે ખરેખર રાત્રે શું થયું હતુ તે શોધીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીશું જ. બીજી તરફ આપના દિગજ્જ નેતાઓ દ્વારા કરાયેલા ટ્વીટ એ વાતની ચાડી ખાય છે કે રાત્રે સર્ચના નામે કંઇક તો બન્યું છે, ધૂમાડો છે તો આગ ચોક્કસ હશે.
Published On - 6:24 pm, Mon, 12 September 22