રાજ્યમાં છેલ્લા એક અઠવાડીયાથી કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. વધતાં કેસો વચ્ચે શાળાઓ પણ શરૂ થઈ છે. કોરોનાના કેસો વધતાં શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પર કોરોનાનું જોખમ ઉભું થયું છે. અમદાવાદ શહેરમાં વધતાં કેસો વચ્ચે કોરોનાએ શાળામાં પણ કોરોનાની એન્ટ્રી થઈ છે. થલતેજની ઉદગમ સ્કુલના 9 વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ આવ્યા છે. 20 તારીખથી ઉદગમ સ્કુલમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે સ્કુલ શરૂ થયાના એક અઠવાડીયામાં જ વિવિધ ક્લાસના 9 જેટલા વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ આવ્યા છે. વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ આવતાં શાળામાં અભ્યાસ કરતાં અન્ય વિદ્યાર્થીઓને પણ કોરોનાનું સંક્રમણ થવાનું જોખમ ઉભું થયું છે.
ઉદગમ સ્કુલમાં ધોરણ 7માં અભ્યાસ કરતાં 4 વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ આવ્યા છે, જ્યારે ધોરણ 1, 4, 6, 9 અને 12માં અભ્યાસ કરતાં એક-એક વિદ્યાર્થી કોરોના પોઝીટીવ આવ્યા છે. વિદ્યાર્થીઓને કોરોના આવતાં સ્કુલમાં દોડધામ મચી ગઈ છે. સ્કુલ મેનેજમેન્ટ દ્રારા પોઝીટીવ આવેલા વિદ્યાર્થીઓની જાણ વાલીઓને કરવામાં આવી છે. આ ઉપરાંત ડીઈઓને પણ સ્કુલ દ્રારા દરરોજ મેઈલ કરીને કોરોના પોઝીટીવ આવેલા વિદ્યાર્થીઓની જાણ કરવામાં આવી છે, જે ક્લાસના વિદ્યાર્થીઓ પોઝીટીવ આવ્યા છે તે ક્લાસમાં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓના વાલીઓને પણ સ્કુલ દ્રારા જાણ કરવામાં આવી છે. સ્કુલ દ્રારા હાલ ક્લાસરૂમને સેનિટાઈઝ કરી બંધ કરવામાં આવ્યા છે.
ઉદગમ સ્કુલના વિદ્યાર્થીઓને કોરોના સંક્રમણ તથાં ડીઈઓ તંત્ર પણ એક્શનમાં આવ્યું છે. ડીઈઓ દ્રારા ઉદગમ સ્કુલને જે ક્લાસના વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ આવ્યા તે ક્લાસને સેનેટાઈઝ કરી બંધ કરવા સૂચના આપવામાં આવી છે તથા ક્લાસના વિદ્યાર્થીઓ માટે અલ્ટરનેટ વ્યવસ્થા ઉભી કરવા તાકીદ કરવામાં આવી છે. શાળામાં આવતા વિદ્યાર્થીઓ માટે માસ્ક ફરજીયાત પહેરવા અને સોસિયલ ડિસ્ટન્સનું પાલન કરવા પણ સ્કુલને સૂચના આપવામાં આવી છે.
આ અંગે ઉદગમ સ્કુલના ડાયરેક્ટર મનન ચોક્સીએ જણાવ્યું હતું કે 20 જૂનથી સ્કુલ શરૂ કરવામાં આવી છે. ત્યારથી અત્યાર સુધીમાં અલગ અલગ ક્લાસના 9 વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ આવ્યા છે, જે વિદ્યાર્થીઓ પોઝીટીવ આવે છે તે ક્લાસના તમામ વિદ્યાર્થીઓના વાલીઓને જાણ કરીએ છીએ. વાલીઓ ઈચ્છે તો તેમના બાળકોને અભ્યાસ માટે શાળાએ મોકલી શકે છે. કોરોના આવ્યા બાદ વિદ્યાર્થીઓએ મેડીકલ સર્ટીફીકેટ જમા કરાવવું પડશે ત્યાર બાદ જ તેમને શાળામાં આવવા દેવામાં આવશે. પોઝીટીવ વિદ્યાર્થીઓની માહિતી ડીઈઓને પણ આપવામાં આવે છે. ઓનલાઈન ક્લાસ શરૂ કરવા અંગે ડીઈઓ કે સરકાર દ્રારા કોઈ સૂચના આપવામાં આવી નથી, જેના કારણે વિદ્યાર્થીઓને બીજા ક્લાસમાં બેસાડી આભ્યાસ કરાવવામાં આવે છે. વાલીઓ ઈચ્છે તો બાળકોને શાળાએ મોકલી શકે છે.
Published On - 2:05 pm, Tue, 28 June 22