
27 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) અમદાવાદવાસીઓને અટલ ફૂટ ઓવર બ્રિજની અનોખી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અટલ ફૂટ ઓવર બ્રિજ (Atal foot over bridge) ખૂલ્લો મૂક્યા બાદ હવે અમદાવાદીઓ તેની મુલાકાત લઈ શકશે. છેલ્લા કેટલાય સમયથી અમદાવાદીઓ રાહ જોઈ રહ્યા હતા કે આખરે અમદાવાદની (Ahmedabad) ઓળખ બનવા જઈ રહેલ અટલ બ્રિજ લોકો માટે ખુલ્લો મુકાયો છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. દ્વારા અટલ ફૂટ ઓવર બ્રિજની ટિકિટના દર પણ જાહેર કરવામાં આવ્યા છે.
વડાપ્રધાને 27 ઓગસ્ટના રોજ અટલ ફૂટ ઓવર બ્રિજનું લોકાર્પણ કર્યા બાદ 28 ઓગસ્ટથી જાહેર જનતા માટે આ બ્રિજ ખુલ્લો રાખવામાં આવ્યો હતો. છેલ્લા ચાર દિવસથી મોટી સંખ્યામાં મુલાકાતીઓ અટલ ફૂટ ઓવર બ્રિજની નિ:શુલ્ક મુલાકાત લીધી. જો કે હવે મુલાકાતીઓની ભીડને નિયંત્રિત કરી શકાય અને નાગરિકોની સલામતી અને હિતને ધ્યાનમાં રાખીને આવતીકાલ એટલે કે 31 ઓગસ્ટથી મુલાકાતીઓના અટલ બ્રિજની મુલાકાતના ટિકિટ દર લેવામાં આવશે.
અટલ બ્રિજની મુલાકાત માટે નાગરિકોઓ ચુકવવાના ટિકિટ દરની વાત કરીએ તો 12 વર્ષથી 60 વર્ષની વ્યક્તિએ રૂ. 30 ચૂકવવા પડશે. 60 વર્ષથી ઉપરની વ્યક્તિએ રૂ.15 ચૂકવવા પડશે. 3 વર્ષથી 12 વર્ષના બાળકો માટે રૂ.15 ચૂકવવા પડશે. ફ્લાવર પાર્ક અને અટલ બ્રિજની એક સાથે મુલાકાત માટેની ફી પણ જાહેર કરાઇ છે. 12થી 60 વર્ષની વ્યક્તિએ રૂ.40 ચૂકવવા પડશે. 60 વર્ષથી ઉપરની વ્યક્તિએ રૂ.20 ચૂકવવા પડશે. તો 3 વર્ષથી 12 વર્ષના બાળકોએ પણ રૂ.20 ચૂકવવા પડશે.
ટિકિટ દર જાહેર કરવાની સાથે કેટલાક નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે. જેમ કે કોઇપણ વ્યક્તિ ટિકિટ દર ચુકવીને 30 મિનિટથી વધુ બ્રિજ પર રોકાઇ શકશે નહીં. અટલ બ્રિજ સવારે 9થી રાત્રે 9 કલાક સુધી જ ખુલ્લો રહેશે. પાલતુ પ્રાણીઓ લઇને કોઇ બ્રિજ પર જઇ શકશે નહીં. બ્રિજ પર ધૂમ્રપાન કરવાની પણ સખ્ત મનાઇ છે.
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારને પશ્ચિમ સાથે જોડતા સાબરમતી રિવરફ્રન્ટનો આ ફૂટ ઓવરબ્રિજ (Atal bridge) તૈયાર કરવામાં આવ્યો છે. એલિસબ્રિજ અને સરદારબ્રિજ વચ્ચે તૈયાર થયેલા 300 મીટરના આઈકોનિક બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ બનાવવા 2700 ટન સ્ટીલનો ઉપયોગ કરાયો છે. આ બ્રિજ ઉપરથી મન મોહી લેતો નજારો જોવા મળશે. જેના માટે મુલાકાતીઓએ ચાર્જ ચૂકવવો પડશે. ફૂટઓવર બ્રિજ પર આર્ટકલ્ચર ગેલરી ઉભી કરાશે. ફૂડ સેન્ટર એટલે કે ખાણી-પીણીના સ્ટોલ ઉભા કરાશે અને ફૂટઓવર બ્રિજના પશ્ચિમ તથા પૂર્વ છેડા પર મલ્ટીલેવલ કાર પાર્કિંગની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. એટલે કે, અહીં ફરવા આવતા લોકોને તમામ પ્રકારની સુવિધાઓ મળશે.