
અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં શહેરને નવી ઓળખ આપનારા મહત્વાકાંક્ષી ‘અમદાવાદ સિટી સ્ક્વેર’ પ્રોજેક્ટની ડિઝાઇન આખરે ફાઇનલ થઈ ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા અંદાજે ₹570 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવશે. લગભગ બે વર્ષ પહેલાં આ પ્રોજેક્ટનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. હવે તેની ડિઝાઇનને આખરી ઓપ આપવામાં આવ્યો છે. 13,144.40 ચોરસ મીટર વિસ્તારમાં આ પ્રોજેક્ટ વિકસાવવામાં આવશે.
આ સિટી સ્ક્વેરમાં આધુનિક આર્કિટેક્ચરની સાથે મનોરંજન, સાંસ્કૃતિક અને વ્યાપારી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ તે અમદાવાદની ઓળખ સમાન એક નવું આકર્ષણ બની શકે છે.
પ્રોજેક્ટમાં ત્રણ બેઝમેન્ટ લેવલ બનાવવામાં આવશે. તેમાં અંદાજે 350 કાર અને 1,109 ટુ-વ્હીલર પાર્ક થઈ શકશે. લોઅર ગ્રાઉન્ડ લેવલ પર દુકાનો અને આર્ટ ગેલેરી બનાવવામાં આવશે. જ્યારે અપર ગ્રાઉન્ડ લેવલને અર્બન પ્લાઝા તરીકે વિકસાવવામાં આવશે. અહીં ફૂડ કિયોસ્ક, સુંદર ગાર્ડન, બેસવાની વ્યવસ્થા, ફૂડ કોર્ટ, વોટર ફાઉન્ટેન અને 310 લોકોની ક્ષમતા ધરાવતું એમ્ફીથિયેટર બનાવવામાં આવશે.
આ સમગ્ર પ્રોજેક્ટનું મુખ્ય આકર્ષણ આશરે 175 મીટર ઊંચો આઇકોનિક ટાવર હશે. ટાવરમાં લગભગ 40 મીટરની ઊંચાઈએ બે માળની રેસ્ટોરન્ટ બનાવવામાં આવશે, જેમાં એકસાથે અંદાજે 900 લોકો બેસી શકશે. આ ઉપરાંત તેની ઉપર ટેરેસ-ડેક કેફે બનાવવામાં આવશે, જેમાં વધુ 1,200 મુલાકાતીઓ માટે જગ્યા હશે. આ બંને સુવિધાઓ આશરે 6,485 ચોરસ મીટર બાંધકામ વિસ્તાર ધરાવતી ગોળાકાર રચનાનો ભાગ હશે.
ટાવરના સૌથી ઉપરના ભાગમાં સ્કાય ડેક અને સ્કાયવોક બનાવવાનું આયોજન છે. અહીંથી મુલાકાતીઓ અમદાવાદનો સુંદર નજારો જોઈ શકશે. ટાવરમાં બનાવવામાં આવતી વ્યૂઇંગ ગેલેરીમાં એક સમયે આશરે 75 લોકો જઈ શકશે.
આ ઉપરાંત ટાવર પર 40 મીટરથી લઈને 175 મીટર સુધી વિસ્તરતી વિશાળ ડિજિટલ સ્ક્રીન પણ લગાવવામાં આવશે. આ સ્ક્રીન પર સતત ડિજિટલ જાહેરાતો પ્રદર્શિત કરી શકાશે.
AMC દ્વારા આ સમગ્ર પ્રોજેક્ટને કામ શરૂ થયાની તારીખથી 42 મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ અમદાવાદને મનોરંજન, ખાણીપીણી, ખરીદી અને શહેરદર્શન માટેનું એક નવું સ્થળ મળશે.
Published On - 2:04 pm, Fri, 30 October 26