AHMEDABAD : પાટીદારોના કુળદેવી એવા મા ઉમિયાનું અમદાવાદના જાસપુર ખાતે નવું મંદિર તૈયાર થશે.આગામી 22મી નવેમ્બરના રોજ 1 હજાર કરોડના ખર્ચે મા ઉમિયાના મંદિરનું નિર્માણકાર્ય શરૂ થશે. નિર્માણકાર્યની શરૂઆત સાથે જ મંદિર પરિસરમાં 10 હજાર દીવડા પ્રજવલિત કરાશે અને યજ્ઞમાં રૂપિયા 62 કરોડનું દાન આપનારા નદાસા પરિવારના દાતાઓ બેસશે…તો દેશ-વિદેશમાં ફેરવવામાં આવેલા 108 કળશનું પૂજન પણ કરાશે.
વિશ્વના સૌથી ઊંચા બનનારા મા ઉમિયાના આ મંદિરની વિશેષતાની વાત કરીએ તો બે લાખ ચોરસ ફૂટ ભૂમિમાં મંદિરનું નિર્માણકાર્ય થશે. આ મંદિરની ડિઝાઈન જર્મન અને ઈન્ડિયન આર્કિટેક્ટે બનાવી છે. આ મંદિરમાં 52 ફૂટ ઉંચા સ્થાન પર માતાજી બિરાજમાન થશે, અને સાથે જ મહાદેવનું પારાનું શિવલિંગ પણ સ્થાપિત કરવામાં આવશે.
વર્ષે એક દિવસે સૂર્યકિરણ મૂર્તિ પર પડે તેવી ગોઠવણ કરવામાં આવશે. મંદિરના શિખરને સુવર્ણથી જડવામાં આવશે.
મા ઉમિયાના આ ભવ્ય મંદિરમાં એકસાથે10 હજાર ભક્તો દર્શન કરી શકશે. મંદિરમાં 270 ફૂટ ઉંચી વ્યૂઈંગ ગેલેરી બનાવવામાં આવશે, જેમાંથી અમદાવાદ શહેરનો નજારો નિહાળી શકાશે. આ મંદિર પરિસરમાં વિશ્વનું બીજા નંબરનું ટ્રી મ્યૂઝિયમ બનશે. મંદિરમાં દિવ્યાંગ, અશક્ત, વૃદ્ધો માટે એસ્કેલેટરની સુવિધા ઉભી કરવામાં આવશે. આ મંદિરમાં
દર પૂનમે અલગ પ્રકારની લાઈટિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
જાસપુરમાં અગામી તા. 13 ડિસેમ્બરે ઉમિયા માતાજીનો ધર્મોત્સવ યોજાશે, જેની તડામાર તૈયારીઓ શરૂ છે. ધર્મોત્સવ દરમિયાન ઉમિયાધામમાં 1500 કરોડના વિકાસકાર્યોનું લોન્ચિંગ કરવામાં આવશે. જેમાં આરોગ્ય, કેળવણી, આધુનિક સુવિધાને અનુરૂપ પ્રોજેક્ટ બનાવવામાં આવશે. ધર્મ સંકુલમાં તમામ જ્ઞાતિ-જાતિના લોકો માટે રહેવા, જમવાની સગવડ ઉભી કરવામાં આવશે. શિક્ષણ સંકુલમાં એક ભવ્ય હોસ્ટેલ બનાવવામાં આવશે. તો સાથે જ
પાટીદાર સમાજના યુવક-યુવતીઓ માટે વર્કિંગ મેન, વુમન હોસ્ટેલ પણ બનવવામાં આવશે. ધર્મ સંકુલમાં આધુનિક પાર્ટી પ્લોટ, આરોગ્ય સંકુલ બનાવામાં આવશે. અને વર્તમાન UCDC સેન્ટરનું આધુનિકીકરણ કરવામાં આવશ.