31 ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે અલગ અલગ રાજ્યમાંથી ગુજરાતમાં બુટલેગરો દારૂનો જથ્થો પહોંચાડી રહ્યા છે. જુદા જુદા કિમિયાઓ અજમાવી બુટલેગરો ગુજરાતમાં દારૂ લાવી રહ્યા છે પરંતુ આવા કિમિયાઓને નાકામયાબ કરવા પોલીસ પણ સક્રિય બની છે. થોડા દિવસ પહેલા જ અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા અલગ અલગ બે ટેન્કરોમાં દારૂની હેરાફેરી થતી રોકવામાં આવી હતી અને મોટી સંખ્યામાં દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો ત્યારે હવે ગાંધીનગર પોલીસ દ્વારા પણ મુખ્ય રસ્તાઓ પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ફોરવીલ માં દારૂ છુપાવી અમદાવાદ તરફ આવતો પકડી પાડવામાં આવ્યો છે.
ગાંધીનગર એલસીબીએ બાતમી મળી હતી કે મહેસાણા તરફથી બ્રેઝા તેમજ સ્વિફ્ટ કારમાં દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. જેને કારણે હાઇવે પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન બ્રેઝા કારની તપાસ કરતા સીટ તેમજ ડેકીમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જોકે સ્વિફ્ટ કારના ચાલકે પોલીસ ચેકિંગ જોતા કારને પુરપાટ ઝડપે દોડાવી નાસી છૂટ્યો હતો. બાદમાં આગળ એક ખુલ્લા પ્લોટમાં સ્વિફ્ટ કાર મૂકી કાર ચાલક નાસી છૂટ્યો હતો.
પોલીસે હાલતો સ્વિફ્ટ અને બ્રેઝા કારને કબજે કરી તેમાં લવાઈ રહેલો દારૂનો જથ્થો પણ કબજે કર્યો છે. પોલીસે કરણસિંહ સિસોદિયા નામના કારચાલકની ધરપકડ કરી છે. જોકે હજુ બે લોકો સમીર ઉર્ફે બબલુ અને તુષાર ચાવડા પોલીસ પકડથી દૂર છે. પોલીસે બંને કારમાંથી દારૂ અને બિયર મળી નવ લાખથી વધુની રકમના 744 નંગ જે કર્યા છે.
જો બીજા એક કેસની વાત કરીએ તો ગાંધીનગર જિલ્લાની રખિયાલ પોલીસે પણ ઇકોસ્પોર્ટ્સ કારમાંથી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. દેગામ મોડાસા હાઇવે રોડ પર રખિયાલ બજારમાંથી દારૂ ભરેલી કાર પકડી પાડવામાં આવી છે. ઇકો સ્પોર્ટ્સ કારમાં દારૂનો જથ્થો મોડાસા તરફથી દહેગામ તરફ લાવવામાં આવી રહ્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદમાં ડૉકટરનું ભણતા 21 વર્ષિય યુવાને ગળાફાંસો ખાધો, આ કારણથી ભર્યુ પગલુ- વાંચો
પોલીસે માહિતીના આધારે આ કારને રોકી હતી પરંતુ કાર ચાલકે ગાડી નહીં રોકતા પોલીસ દ્વારા તેનો પીછો કરવામાં આવ્યો હતો અને બજારમાં પહોંચતા જ પોલીસે ઇકોસ્પોર્ટ્સ કારને પકડી પાડી હતી. પોલીસે કારની તપાસ કરતા તેમાંથી એક લાખથી વધુની કિંમતની દારૂ તેમજ બિયર મળી 299 જેટલી બોટલો કબજે કરવામાં આવી છે. પોલીસે દારૂ અને કાર સહિત છ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે વીકી શશીકાંત શાહ તેમજ શ્યોપતરામ બિશનોઈ નામના બે વ્યક્તિની ધરપકડ કરી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો