આ વર્ષે અમદાવાદના શહેરીજનોએ મન મુકીને દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરી છે. મન મુકીને ફટાકડા પણ ફોડ્યા છે. જેના કારણે શહેરમાં આગ લાગવાના અનેક બનાવ પણ બન્યા છે. જેમાં ચિંતાનો વિષય એ રહ્યો કે આ આ વર્ષે ગત વર્ષની સરખામણીએ આગ લાગવાના વધુ કૉલ નોંધાયા છે. જોકે સારી બાબત એ રહી કે આગની ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. જેના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
દિવાળી પર્વના પાંચ દિવસમાં અમદાવાદ ફાયર બ્રિગેડને અલગ અલગ 307 જેટલા કોલ મળ્યા છે. જેમાં સૌથી વધુ 12 નવેમ્બર દિવાળી દરમિયાન 136 જેટલા આગ લાગવાના બનાવ બન્યા.તેમાં પણ સૌથી વધુ પશ્ચિમ ઝોનમાંથી કોલ મળ્યાનું સામે આવ્યું છે. તે પછી મધ્ય ઝોન, દક્ષિણ ઝોન અને બાદમાં ઉત્તર ઝોન અને પૂર્વ ઝોનમાં આગ લાગવાના બનાવ નોંધાયા છે. તેમાં પણ સૌથી વધુ નવરંગપુરા, થલતેજ, પ્રહલાદ નગર, મણીનગર અને નિકોલ ફાયર સ્ટેશનને કોલ એટેન્ડ કર્યા.
સૌથી વધુ કચરા અને લાકડામાં આગના 168 જેટલા બનાવ બન્યા છે, જ્યારે 42 કોલ મકાનમાં આગ લાગવાના, 34 કોલ દુકાનમાં આગ લાગવાના, 18 કોલ ઝાડમાં આગ લાગવાના બન્યા છે. 11 કોલ ફેક્ટરી અને વાહનોમા આગ લાગવાના બન્યા છે. આ તમામ પરિસ્થિતિ વચ્ચે દિવાળી દરમિયાન 30થી વધારે અધિકારી અને 350 જેટલા કર્મચારીઓએ 100થી વધુ વાહનો સાથે કામગીરી કરી મોટી દુર્ઘટના થતા ટાળી હતી.
અમદાવાદમાં દિવાળી પર્વ પહેલા શહેરમાં આગ લાગવાના બનાવો બન્યા. જેમાં દિવાળીના બે દિવસ પહેલા 70 જેટલા આગના બનાવો બન્યા. કેટલાક કૉલ મકાનમાં આગના, ખુલ્લા મેદાનમાં, ગોમતીપુર મેટ્રો વર્કશોપમાં આગનો બનાવ, તેમજ દિલ્હી ચકલા પાસે આર સી કેટલીક સ્કૂલના કમ્પાઉન્ડમાં તેમજ સારંગપુર બ્રિજ નીચે ગેરેજમાં આગ લાગવાનો બનાવ હતો.
આ સિવાય ન્યુ વાસણા વિસ્તારમાં સ્વામિનારાયણ પાર્ક 3ની પાછળ ખુલ્લા પ્લોટમાં આગ, કાલુપુરમાં રેવડી બજારમાં દુકાનોમાં આગ લાગવાનો બનાવ જ્યારે બારેજા પાસે પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ બન્યો. નવા વર્ષે શહેરમાં થલતેજ ખાતે તાજ હોટેલ પાસે ખુલ્લા પ્લોટમાં કચરો અને લાકડામાં આગ લાગી હતી. જ્યારે રાયખડ રાયપુરમાં પણ ખુલ્લા પ્લોટમાં કચરામાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. આ તમામ કોલમાં ફાયર બ્રિગેડે સ્થળ પર ત્વરિત પહોંચી આગને મોટી થતા રોકી આગ પર કાબુ મેળવી મોટી ઘટનાઓ થતા ટાળી હતી.
મોટા ભાગની આગ ફટકડાના કારણે લાગી હોવાનું સામે આવ્યું છે. સુરધારા સર્કલ પાસે આવેલ મેપલ ટ્રી ના G બ્લોકમાં બીજા માળે મકાનમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો. આગની ઘટનામાં એક ડોકટર દંપતી અને બાળકીને બચાવી લેવાઇ.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો