AHMEDABAD : ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) માં એન્જિનિયરિંગ, ફાર્મસી, મેનેજમેન્ટ સાથે, હવે ભારતીય વેદ, પુરાણો અને ઉપનિષદનો પણ અભ્યાસ કરવામાં આવશે. પ્રાચીન સ્થાપત્ય, ભારતીય સંસ્કૃતિ, કલા, અભિજાત સાહિત્ય પણ શીખવવામાં આવશે. GTU એ પુણેના ભીષ્મ ઇન્ડિક ફાઉન્ડેશન સાથે મળીને ભારતીય જ્ઞાન પ્રણાલીને લગતા 12 ઓનલાઇન પ્રમાણપત્ર અભ્યાસક્રમો શરૂ કર્યા છે. જીટીયુના કુલપતિ ડો.નવીન શેઠ, ભીષ્મ ઇન્ડિક ફાઉન્ડેશનના ડિરેક્ટર ક્ષિતિજ પાટુકુલેએ મંગળવારે સત્તાવાર જાહેરાત કરી હતી.
3 મહિનાના વિવિધ 12 અભ્યાસક્રમ
GTU ના કુલપતિ ડો.નવીન શેઠે જણાવ્યું હતું કે આ અભ્યાસક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને નવી શિક્ષણ નીતિ હેઠળ વિવિધ વિષયોનું શિક્ષણ આપવાનો અને ભારતીય કલા, સંસ્કૃતિ, વેદ, પુરાણો વિશે વૈજ્ઞાનિક માહિતી આપવાનો છે. વિદેશમાં ભારતીય સંસ્કૃતિ, ભાષા, સાહિત્ય, સ્થાપત્યને લગતા અભ્યાસક્રમો ચાલી રહ્યા છે, જ્યારે આપણે તેમાં પાછળ છીએ. તેને જોતા ત્રણ મહિનાના 12 અલગ અલગ ટૂંકા ગાળાના પ્રમાણપત્ર અભ્યાસક્રમો શરૂ કરવામાં આવી રહ્યા છે.
આ 12 અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યાં
GTU દ્વારા શરૂ કરવામાં આવેલા આ 12 અભ્યાસક્રમોમાં વેદોનું અધ્યયન, પ્રાચીન સ્થાપત્યનું અધ્યયન, પુરાણોનો અભ્યાસ, પ્રાચીન ભારતીય કલાઓનું અધ્યયન, ઉપનિષદનો અભ્યાસ, રાજકીય વિજ્ઞાન અને કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, ધર્મ અને સંપ્રદાયોનો અભ્યાસ, પ્રાચીન ભારતીય સાહિત્યનો અભ્યાસ, પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો અભ્યાસ, પ્રાચીન ભારતીય વિજ્ઞાન અને ટેકનોલોજીનો અભ્યાસ, પ્રાચીન ભારતીય રાજાઓ અને સામ્રાજ્યોનો અભ્યાસ, ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના વૈશ્વિક પદચિહ્નોનો અભ્યાસ સામેલ છે.
કોઈ પણ લઇ શકે છે પ્રવેશ
આ 12 અભ્યાસક્રમ ભીષ્મ સ્કૂલ ઓફ ઇન્ડિક સ્ટડીઝની મદદથી જીટીયુના હેરિટેજ સેન્ટર દ્વારા હાથ ધરવામાં આવશે. આ અભ્યાસક્રમમાં સવાર અને સાંજની બેચ હશે જેથી નોકરી કરનારી વ્યક્તિ પણ તેમાં જોડાઈને અભ્યાસ કરી શકે છે. વયની કોઈ મર્યદા નથી.આ અભ્યાસક્રમો માટે નોંધણી શરૂ થઈ ગઈ છે. માત્ર દેશ જ નહીં પરંતુ વિદેશના લોકો પણ આ અભ્યાસક્રમોમાં રસ દાખવી રહ્યા છે. GTU ના વિદ્યાર્થીઓને તેની ફીમાં થોડી રાહત પણ આપવામાં આવશે. આ અભ્યાસક્રમમાં અભ્યાસ અને પરીક્ષા બંને ઓનલાઇન થશે.આ અભ્યાસક્રમને લગતી વધુ માહિતી માટે GTU એડમિનિસ્ટ્રેશન બિલ્ડીંગ તેમજ GTUની વેબસાઈટનો સંપર્ક કરવો.
આ પણ વાંચો : ધો 6થી 8ના વર્ગો આગામી 2 સપ્ટેમ્બરથી શરૂ થશે, ટુંક સમયમાં અન્ય વર્ગો પણ શરૂ થશે : ભૂપેન્દ્રસિંહ ચુડાસમા