અમદાવાદમાં દિવાળી બાદ પણ બજારોમાં ભીડ યથાવત રહી છે. દિવાળી પછી અમદાવાદ સહિતના ગુજરાતના અનેક શહેરોમાં ધીમેધીમે કોરોનાના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે. જે એક ચિંતાનો માહોલ જન્માવે છે. ત્યારે અમદાવાદ શહેરમાં હજુપણ દિવાળીનો તહેવાર વિતી ગયો હોવા છતા લોકો ખરીદી કરવા ઉમટી રહ્યાં છે. અને, આ ભીડ દરમિયાન માસ્ક અને સોશિયલ ડિસ્ટસિંગનો સંદતર અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે લોકોની આ બેદરકારી આગામી સમયમાં ગંભીર પરિણામો નોતરી શકે છે તેવા એંધાણ દેખાઇ રહ્યા છે. લોકોની આ બેદરકારી કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપવા પુરતી હોવાનું લાગી રહ્યું છે.
અમદાવાદ શહેરમાં લોકોનું વતન તરફથી પ્રયાણ વધ્યું, એસટી અને રેલવે સ્ટેશન પર પણ ભીડ
અમદાવાદ શહેરમાં દિવાળી બાદ કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. પરંતુ, શહેરમાં કોરોના કેસમાં વધારો છતાં ફરજીયાત ટેસ્ટિંગ કરાયું નથી. સૌથી ચોંકાવનારી વાત તો એ છેકે અમદાવાદ શહેરના એસ.ટી.સ્ટેન્ડ પર પણ ફરજીયાત ટેસ્ટિંગ હાથ ધરાયું નથી. કોરોનાના કેસોના ઉછાળા સાથે એસ.ટી,સ્ટેન્ડ કોરોના હોટસ્પોટ બનવાની સંભાવના દેખાઇ રહી છે. બહાર ગામથી આવનારની સંખ્યા એસ.ટી.સ્ટેન્ડ પર વધારે હોય છે ત્યારે અગમચેતીરૂપે અહીં ટેસ્ટિંગ ફરજિયાત કરવાની જરૂરિયાત છે. આ સાથે જ એસ.ટી.સ્ટેન્ડ પર ફરજીયાત ટેસ્ટિંગ અને વેકસીનેશનની કામગીરીની હાલના સંજોગોમાં જરૂરિયાત ઉભી થઇ રહી છે. તો રેલવે સ્ટેશન પર પણ ફરજીયાત ટેસ્ટિંગની જરૂરિયાત છે. દિવાળી બાદ વતનમાંથી લોકો પરત ફરતા મુસાફરોની સંખ્યા પણ વધી છે.