
અમદાવાદમાં ફરી સામે આવ્યો છે નશાનો કાળો કારોબાર. ખેડામાં નશાકારક કપ સિરપ પીવાના કારણે 6 લોકોના મોત નિપજ્યા છે, જેના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે. ત્યારે વધુ એક શખ્સમી ગાંજાના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી છે. માધુપુરા પોલીસે 22 કિલો ગાંજાના જથ્થા સાથે એક શાહરૂખ ખાન પઠાણ નામના આરોપીની ધરપકડ કરી છે. પોલીસને બાતમી મળી હતી કે એક ગાડીમાં શાહીબાગ દુધેશ્વર રોડ પર ગાંજાના જથ્થા સાથે એક આરોપી ઘર નજીક પહોંચી રહ્યો છે. જેથી પોલીસે વોચ ગોઠવીને ગાંજાનું વેચાણ કરનાર શાહરૂખને ગાડીમાંથી રંગેહાથે ઝડપી લીધો હતો. તેની પાસેથી ગાંજો અને કાર સહિત રૂપિયા 5.30 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પકડાયેલ આરોપી શાહરુખ ખાન પઠાણ વર્ષ 2021માં વલસાડમાં 283 કિલો ગાંજાના કેસમાં સંડોવણી સામે આવી હતી. જેમાં આરોપીની ધરપકડ બાદ 6 માસ જેલવાસ ભોગવ્યો હતો. અને જેલમાંથી છૂટ્યા બાદ ફરી ગાંજાનું વેચાણ શરૂ કર્યું હતું.જેની પૂછપરછમાં સામે આવ્યું કે શાહઆલમના ઝફાર પાસેથી ગાંજાનો જથ્થો લાવી પોતે નાની નાની પડીકીઓ બનાવીને શહેરના જુદા જુદા વિસ્તારમાં વેચતો હતો. એક કિલો 7 હજારના ભાવે ગાંજો ખરીદીને પોતે પડીકીઓ બનાવીને 10 હજારમાં વેચતો હોવાનું ખુલ્યું છે. છેલ્લા 2 વર્ષથી ગાંજાનો કારોબાર કરીને આરોપીએ પોતાનું નેટવર્ક ઉભું કર્યું હતું.. આરોપીની પૂછપરછમાં વોન્ટેડ આરોપી ઝફારે ગાંજો વેચવા માટે શાહરૂખનો સામેથી સંપર્ક કર્યો હોવાનું પણ સામે આવ્યું છે.
આ પણ વાંચો: રાજસ્થાનમાં ધોળે દહાડે મોટા માથાની હત્યા, કરણી સેનાના પ્રમુખ ગોગામેડીની ઘરમાં ઘૂસીને ગોળીઓથી ઠાર કરાયા
હાલ માધવપુરા પોલીસે આરોપી શાહરૂખખાન પઠાણના રિમાન્ડ મેળવી પૂછપરછ શરૂ કરી છે. આ ઉપરાંત વોન્ટેડ ઝફારની ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝફારની ધરપકડ બાદ ગાંજાનું નેટવર્ક અને તેની સાથે સંડોવાયેલા અન્ય આરોપીના નામ સામે આવે તેવી શકયતા છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો