Ahmedabad : સોમવારથી રાજ્યમાં ફરી એકવાર આરોગ્ય સેવાઓ ઠપ્પ થઈ જશે. જુનિયર ડોક્ટરો બાદ હવે સિનિયર ડોક્ટરો પણ મેદાને ઉતર્યા છે. સિનિયર તબીબોની માંગણીઓ ન સંતોષાતા હવે સોમવારથી ગુજરાતના 10 હજાર સિનિયર ડોક્ટરો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરશે. દોઢ મહિનાથી સરકારી મેડિકલ કોલેજના તબીબો કાયમી ભરતી, બઢતી, પેન્શન, કરાર આધારિત ભરતી રદ સહિતની 16 માંગોને લઈને સરકાર સામે આંદોલન કરી રહ્યા છે.
સરકારે આજ સુધી હકારાત્મક જવાબ ના આપતા આજે બી.જે.મેડિકલ કોલેજ ખાતે સિનિયર તબીબોની બેઠક બોલાવવામાં આવી હતી. અને બેઠકમાં 13 ડિસેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળનો નિર્ણય કરવામાં આવ્યો છે.
હડતાળમાં કોણ જોડાશે
-ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન
-ગુજરાત ઇન સર્વિસ ડોક્ટર એસોસિએશન
-GMERS ડોક્ટર એસોસિએશન
-કલાસ 2 મેડિકર ઓફિસર
-કલાસ 2 ઇન્સ્યોરન્સ સર્વિસ ડોક્ટર એસોસિએશન
હડતાળમાં રાજ્યના 10 હજાર ડોક્ટરો જોડાશે. ઓપીડી, ઇમરજન્સી, કોવિડ સહિતની તમામ સેવાઓથી ડોક્ટરો દૂર રહેશે. શહેરનો તમામ સરકારી હોસ્પિટલમાં ઓપીડી સેવાઓ થપ્પ થઈ જશે. પ્લાન્ટ કરેલા ઓપરેશન અટકી જશે. ઇમરજન્સી સેવાઓ માટે ક્રાઇસીસ ઉભી થશે. પીએચસી, સીએચસી અને ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં ડોક્ટરો નહીં મળે. જેના કારણે શહેરો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ પ્રાથમિક સારવાર માટે દર્દીઓ રઝળી પડશે.
ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનના પ્રમુખ ડો. રજનીશ પટેલે જણાવ્યું હતું કે અમે દોઢ મહિનાથી શાંતિપૂર્ણ આંદોલન કરીએ છીએ. પરંતુ સરકારે અમારી સાથે કોઈ ચર્ચા કરી નથી. 4 ડિસેમ્બરના રોજ રાજ્યના મોટા શહેરોમાં રેલી યોજી 13 ડિસેમ્બરથી હડતાલ પાડવા અંગે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. વિજય રૂપાણીની સરકારે અમારી 11 મંગણીઓને સંતોષતો ઠરાવ પસાર કર્યો હતો. પરંતુ નાણાં વિભાગે વિજય રૂપાણીની સરકારે ઠરાવ કરી આપેલા લાભો પરત ખેંચ્યા છે. અને 22 નવેમ્બરના રોજ નવો ઠરાવ કર્યો છે. આ નવો ઠરાવ અન્યાયી ઠરાવ છે. અમારી માંગ છે કે રૂપાણી સરકારે ઠરાવ કરીને અમને જે લાભો આપ્યા હતા તે તાત્કાલિક આપવામાં આવે.
નોંધનીય છેકે હજુ તો જુનિયર રેસિડેન્ટ તબીબોની હડતાળ સમેટાઇ છે. આ હડતાળ સમેટાવાને 24 કલાક પણ નથી થયા ત્યાં સિનિયર તબીબોની હડતાળને પગલે દર્દીઓની મુશ્કેલીમાં વધારો થશે તે નિશ્ચિત છે.
આ પણ વાંચો : Vinod Kambli: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલી ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન્યા, લાખો રૂપિયા ગુમાવ્યા, FIR નોંધાઈ
Published On - 4:04 pm, Fri, 10 December 21