Ahmedabad : બીજી લહેરમાં ગુજરાત રાજયમાં કેસમાં ઘટાડો આવતા રાજ્ય સરકાર અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે કેરળમાં ત્રીજી લહેરની શરૂઆત થતા અને કેરળમાંથી ગુજરાતમાં મુસાફરો આવતા રાજ્ય સરકાર અને તંત્રની ચિંતા વધી છે. જે ચિંતા દૂર કરવા રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગ અને વેકસીનેશન બંને પ્રક્રિયા યથાવત રખાઈ છે. જેમાં બહારના રાજ્યમાંથી આવતા તમામ લોકોના ફરજિયાત ટેસ્ટિંગ હાથ ધરાયા છે.
બીજી લહેરની શરૂઆત થઈ ત્યારથી કાલુપુર uhc દ્વારા કાલુપુર રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગ અને વેકસીનેશન બન્ને પ્રક્રિયા હાથ ધરાઇ છે. જે પ્રક્રિયા હજુ પણ યથાવત છે. જોકે વચ્ચે ટેસ્ટિંગ અને વેકસીનેશન પ્રક્રિયા બંધ થઈ હોવાની ઘટનાઓ પણ સામે આવી. જોકે કેરળમાં ત્રીજી લહેરની શરૂઆત થતા તંત્ર ચિંતિત બનતા પ્રક્રિયા સઘન કરી દેવાઇ છે.
કાલુપુર રેલવે સ્ટેશન પર કાલુપુર uhcની સવારે 8 જેટલી ટીમ જ્યારે બપોર બાદ 5 જેટલી ટીમ કામ કરે છે. જેમાં સવારે 6 જેટલી ટિમ ટેસ્ટિંગ કરે છે તો 2 ટીમ વેકસીનેશનનું કામ કરે છે. તો બપોર બાદની ટીમમાં 3 ટીમ ટેસ્ટિંગનું, જ્યારે 2 ટીમ વેકસીનેશનનું કામ કરે છે. જ્યાં હાલમાં દરરોજ 500 લોકોના rtpcr ટેસ્ટ કરાય છે. તો 100 ઉપર લોકોનું વેકસીનેશન કરાય છે. શરૂઆતમાં લોકો માટે વેકસીનેશન રખાયું હતું. પણ બાદમાં સ્ટાફ માટે કરાયું અને હવે ફરી તમામ લોકો માટે વેકસીનેશન ની પ્રક્રિયા શરૂ કરી દેવાઇ છે.
મહત્વનું છે કે બપોરે બહારના રાજ્યમાંથી હાવડા, આગ્રા, ગ્વાલિયર અને શતાબ્દી ટ્રેન આવતી હોય છે. જેથી બપોરે વધુ ટીમ રાખી બહારના રાજ્યમાંથી આવતા મુસાફરોનું હાલમાં ફરજીયાત ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. તો સાથે જ મુસાફરો વેકસીન લીધી છે કે કેમ તેની પણ પૂછપરછ કરાય છે. અને જો વેકસીન ન લીધી હોય તો વેકસીન લેવા સૂચન કરાય છે. જેથી તેઓને સુરક્ષિત કરી શહેર અને રાજ્યને સુરક્ષિત કરી શકાય.
ઉલ્લેખનીય છે કે અગાઉ પહેલી લહેર અને બીજી લહેરમાં જે પ્રકારે પરિસ્થિતિ વણસી તે પ્રકારે પરિસ્થિતિ ત્રીજી લહેરમાં વણસે નહિ તેના પર તંત્ર અને રાજ્ય સરકાર ધ્યાન આપી કામગીરી કરી રહ્યું છે. ત્યારે લોકોને પણ તેટલા જ જાગૃત બનવા માટે અપીલ કરાઈ છે. કેમ કે રેલવે સ્ટેશન હોય કે અન્ય જાહેર સ્થળ કે જ્યાં હજુ પણ કેટલાક લોકો માસ્ક નથી પહેરી રહ્યા જે જોખમી રૂપ સાબિત થઈ શકે છે.
જે મામલે જાગૃતતા ખૂબ જરૂરી છે. અને તેમ થશે તો જ ત્રીજી લહેરને પહોંચી વળી શકાશે. પણ સાથે જ આ મામલે જે તે વિભાગ અને રાજ્ય સરકારે પણ વધુ ધ્યાન આપવું પડશે કે લોકો નિયમ પાડે અને જે નિયમ ન પાડે તેની સામે કાર્યવાહી પણ થાય તે પછી કોઈ પણ વ્યક્તિ કેમ ન હોય. અને ત્યારે જ સરકારનો પ્રયાસ સફળ રહેશે અને ત્રીજી લહેરને રોકી લોકોને જાગૃત પણ કરી શકાશે.