દિવાળીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શંકાસ્પદ પ્રવૃતિઓની આશંકા રહેતી હોય છે. તેવામાં આજે પોલીસને મળેલા એક કોલે પોલીસ વિભાગને દોડતું કરી દીધું. જોકે સમગ્ર ઘટનામાં કોઈ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ મળી ન આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો. સાથે જ લોકોને સતર્ક રહેવા અને ફેક કોલ પર વિશ્વાસ નહીં કરવા સૂચન કર્યું.
શહેર પોલીસ કંટ્રોલ રૂમને મળ્યો એક કોલ અને ચાર પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડતો થઈ ગયો, બપોરે બાર વાગ્યે પોલીસ કમિશનર કચેરીમાં આવેલ કંટ્રોલ રૂમમાં ફોન રણક્યો અને સામે છેડેથી વ્યક્તિ બોલ્યો કે શહેરકોટડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલી ફાતિમા મસ્જિદમાં કેટલાક વ્યક્તિઓ આવ્યા છે. જેઓ ભારતીય ભાષા બોલતા નથી અને આટલું બોલીને ફોન કરનાર વ્યક્તિએ ફોન કટ કરી દીધો, અને પછી શરૂ થયું ધીંગાણું, જેમાં ચાર પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા તેમની આસપાસની પાંચથી સાત જેટલી મસ્જિદોમાં પોલીસે ચેકીંગ હાથ ધર્યું હતું. પરંતુ સદનસીબે પોલીસને હાથ એવો કોઈ શંકાસ્પદ વ્યક્તિ લાગ્યો ન હતો.
પોલીસે શહેરકોટડામાં રુકુન શહિદ. ફાતિમા અને સુલેમાની મસ્જિદમાં, તો માધુપુરામાં પીર હેબતપુર મસ્જિદમાં અને માધવપુરા, દરિયાપુર કાલુપુરની મસ્જિદોમાં ચેકીંગ હાથ ધર્યું હતું.
શહેરના કોટ વિસ્તારમાં આવેલી કેટલી મસ્જિદોમાં આજે બપોરે 12:00 વાગ્યાના અરસામાં ચેકીંગ હાથ ધરાયુ હતું. જેમાં શહેરની કેટલીક મસ્જિદોમાં ભારતીય ભાષા જાણતાં ના હોય તેવા કેટલાક લોકો આવ્યા હોવાનું પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરીને એક અજાણ્યા વ્યક્તિએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છેકે ચેકીંગમાં પોલીસના હાથે કશું લાગ્યું નથી, પરંતુ પોલીસે પણ આ કોલની ગંભીરતાને ધ્યાને લઈને ડીસીપી કક્ષાના અધિકારીએ તેમની તાબામાં આવતા તમામ પોલીસ સ્ટેશનને તેઓના વિસ્તારમાં આવતી મસ્જિદોમાં તપાસ કરવાની સૂચના આપી દીધી છે, આ સાથે જ બનાવની ગંભીરતાને પગલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ સમગ્ર તપાસમાં જોતરાઈ ગયું.
એક તરફ દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. અને બીજી તરફ ગઈકાલે જ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે તહેવાર સંદર્ભે મોલ અને મલ્ટીપ્લેક્સ થિયેટરો અને જાહેર ભીડભાડ વાળા સ્થળો પર ચેકીંગ વધારવામાં આવે અને તેવામાં આજે પોલીસ કંટ્રોલ રૂમને આવો શંકાસ્પદ કોલ મળે છે. જેના પગલે પોલીસ વિભાગ હરકતમાં આવી ગયું હતું. પરંતુ પોલીસ તપાસમાં હજી સુધી કોઈ એવી શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ હાલ પોલીસ હાથે લાગી નથી.
શહેર પોલીસને મળેલા નનામી કોલને પગલે લગભગ બે કલાક જેટલી શહેર પોલીસ દોડતી થઈ હતી. જેમાં કાલુપુર પોલીસ, શહેરકોટડા પોલીસ, દરિયાપુર પોલીસ સાથે જ માધવપુરા પોલીસ આ તમામ ચારેય પોલીસ સ્ટેશનનો અડધો અડધ સ્ટાફ એક્શન મોડમાં આવી ગયો હતો. અને ગણતરીની મિનિટોમાં જ પોતાના આસપાસની મસ્જિદોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારે પોલીસે પણ લોકોને સતર્ક રહેવા અને ફેક કોલ પર વિશ્વાસ નહિ કરી ભયનું વાતાવરણ ઉભું નહિ કરવા અપીલ કરી છે. જેથી શહેરનું વાતાવરણ બગડે નહિ.