Ahmedabad: રિલીફ રોડ નજીક એક કોમ્પ્લેક્ષમાં લાગેલી આગ કાબૂમાં

|

Mar 22, 2021 | 9:54 PM

અમદાવાદમાં છાશવારે આગની ઘટના સામે આવે છે, ત્યારે શહેરના પોશ વિસ્તાર એવા રિલીફ રોડમાં આગની વધુ એક ઘટના ઘટી હતી. રિલીફ રોડ પર આવેલા સૂર્યોદય કોમ્પ્લેક્ષમાં ACના શો રૂમમાં ભીષણ આગ લાગી હતી.

અમદાવાદમાં છાશવારે આગની ઘટના સામે આવે છે, ત્યારે શહેરના પોશ વિસ્તાર એવા રિલીફ રોડમાં આગની વધુ એક ઘટના ઘટી હતી. રિલીફ રોડ પર આવેલા સૂર્યોદય કોમ્પ્લેક્ષમાં ACના શો રૂમમાં ભીષણ આગ લાગી હતી. આ ACના શો રૂમમાં આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. આગની જાણ થતાં જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, જેને પગલે ફાયરના જવાનો ફાયર ગાડીઓ સાથે ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા. આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે એક બે નહીં પણ ફાયરની 8-8 ગાડીઓ બોલાવવી પડી હતી. આગની ઘટનાને પગલે ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

 

ACના 25 કોમ્પ્રેસર ફાટવાથી આગ લાગી
આગ લાગવાના કારણની વાત કરીએ તો ACના 25 કોમ્પ્રેસર ફાટવાના કારણે આ આગ લાગી હતી. કોમ્પલેક્ષમાં જે AC શોરૂમમાં આ આગ લાગી હતી, તેની આજુબાજુ સર્જિકલની દુકાનો વધુ સંખ્યામાં હોવાના કારણે સર્જિકલના સામાનના લીધે આગ વધુ પ્રસરી હતી અને આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. આજુબાજુની લગભગ 10 જેટલી દુકાનોમાં આગ ફેલાઈ હતી. આ કોમ્પલેક્સ સાંકડુ હોવાના કારણે અંદર જવાનો રસ્તો પણ ફાયર માટે નહોતો. જેથી ફાયરની ટીમ દ્વારા કોમ્પલેક્સની રેલિંગ તોડી નાખવામાં આવી હતી અને અંદરની દુકાનોને પણ કટરથી તોડીને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો.

 

 

દુકાનદારો-સ્થાનિકો પણ આવ્યા મદદે
દુકાનદારો અને સ્થાનિકોએ પણ આગને કાબૂમાં લેવામાં ફાયરના જવાનોની મદદ કરી હતી. આગની ઘટના સર્જાતા સ્થાનિકો અને ગોડાઉનના સંચાલકોએ ACના ગેસના બાટલાઓને દૂર કર્યા હતા. જો આગ વધુ પ્રસરે તો અન્ય બાટલાને પણ ઝપેટમાં લે અને આગ વધુ વિકરાળ બની શકે છે અને આસપાસની વધુ દુકાનમાં પણ આગ ફેલાઈ શકે છે. સ્થાનિકો અને દુકાનદારોએ આ ACના બટલાઓને અન્યત્ર ખસેડવામાં ફાયર જવાનોની મદદ કરી હતી. ફાયર જવાનો અને સ્થાનિકોની મહેનતથી હાલ આગ કાબુમાં આવી ગઈ છે.

 

પાલનપુર અને સુરતમાં પણ આગની ઘટના
રાજ્યમાં આજે અમદાવાદ સાથે બનાસકાંઠાના પાલનપુરમાં તેમજ સુરતમાં પણ આગની ઘટના ઘટી હતી. બનાસકાંઠાના પાલનપુરમાં પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલા વાહનોમાં આગ લાગી હતી, જ્યારે સુરતમાં પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી.

 

આ પણ વાંચો: Ahmedabad: મિત્રતા કેળવી રૂપિયા પડાવતી ગેંગના 3 લોકો ઝડપાયા, વેપારીઓને બનાવતા હતા ટાર્ગેટ

Next Video