એસીબીએ સપાટો બોલાવતી કાર્યવાહી કરીને ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ ફેલાવી દીધો છે. એક મામલતદાર અને અધિક મદદનીશ ઈજનેર સહિત ત્રણ અધિકારીઓને સાણસામાં લીધા છે. એસીબીએ એક જ દિવસમાં ત્રણ ગુનાઓ નોંધીને ધરપકડની કાર્યવાહી કરી છે. જેમાં હિંમતનગરના મામલતદારના ઘરે મોડી રાત્રે એસીબીએ ત્રાટકીને ધરપકડ કરી હતી.
હિંમતનગરમાં અડધી રાત્રે ત્રાટકેલી એસીબીની ટીમે પૂર્વ મામલતદારના ઘરેથી તેમની અટકાયત કરી હતી. મોડી રાત્રી દરમિયાન કાર્યવાહી કરતા ભ્રષ્ટાચારી અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. વલસાડ અને પોરબંદરના પૂર્વ અને વર્તમાન અધિકારીઓની સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.
પોરબંદર જિલ્લાની રાણાવાવ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા અધિક મદદનીશ ઈજનેર શરદ ચંદુભાઈ સાંબલેએ વર્ષ 2009 થી 2021 ની ફરજ દરમિયાન આવક કરતા વધારે મિલકતને એકઠી કરી હતી. તેઓએ આવક કરતા 53 લાખ 43 હજારની મિલકત આવકના પ્રમાણમાં વધારે વસાવી હોવાનો ગુનો પોરબંદર એસીબીએ નોંધ્યો હતો. જેની તપાસ જુનાગઢ એસીબી પીઆઈએ મદદનીશ નિયામક બીએલ દેસાઈના સુપર વિઝન હેઠળ હાથ ધરી છે.
અડધી રાત્રી દરમિયાન હિંમતનગર શહેરમાં એસીબીની ટીમ ત્રાટકી હતી. જ્યાં પૂર્વ મામલતદાર દેવેશ રમણલાલ પટેલના ઘરે ત્રાટકી હતી અને તેમની અટકાયત કરવામાં આવી હતી. મોડી રાત્રીની કાર્યવાહી પૂર્વ મામલતદારના ઘરે થતા જ મામલો ચર્ચાએ ચડ્યો હતો. દેવેશ પટેલ નાયબ મામલતદારની ફરજમાં હોવા દરમિયાન 2008 થી 2018 ના 10 વર્ષના દરમિયાન આવક કરતા વધારે મિલકતને વસાવી હતી. આ અંગેની તપાસમાં સ્થાવર અને જંગમ સહિત 1 કરોડ 47 લાખની અપ્રમાણસર મિલકતો ભ્રષ્ટાચારની રીતથી વસાવી હોવાનુ નોંધવામાં આવ્યુ હતુ. આવક કરતા આ રકમ 70 ટકા વધારે હોવાનુ તપાસમાં સામે આવ્યાનુ એસીબીએ તપાસમાં નોંધ્યુ હતુ.
દેવેશ પટેલ હિંમતનગર ક્લેકટર કચેરીમાં નાયબ મામલતદાર હોવા બાદ પ્રમોશનથી મામલતદાર પદે ફરજ બજાવતા હતા. તેઓ હિંમતનગર ડિઝાસ્ટર મામલતદારના પદેથી નિવૃત્ત થયા હતા. એસીબીએ ગુનો નોંધીને તેમની અને તેમના રોકાણને લઈ તપાસ શરુ કરી છે.
વલસાડના ધરમપુરમાં ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લીમીટેડમાં ક્ષેત્ર મદદનીશ તરીકે ફરજ બજાવીને નિવૃત્ત થયેલા યુસુફ અબ્દુલ રહેમાન ભીખાએ પણ ભ્રષ્ટાચાર દ્વારા મિલકતો એકઠી કરી હોવાનુ તપાસમાં ખૂલતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેઓએ 27 લાખ 58 હજારની સ્થાવર અને જંગમ મિલકતો આવકના પ્રમાણમાં વધારે એકઠી કરી હોવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. તેઓએ 73 ટતા ટકા કરતા વધારે રકમની મિલકતો વધારે વસાવી છે.
Published On - 8:04 pm, Sat, 25 November 23