બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને (BMC) સોમવારે મુંબઈના રહેણાંક મકાન પૃથ્વી એપાર્ટમેન્ટ્સને સીલ કરી દીધું. ઘણા લોકો આ બિલ્ડિંગમાં કોરોના (Coronavirus) પોઝિટીવ હોવાનું જણાયું હતું, ત્યારબાદ બીએમસીએ આ બિલ્ડિંગને સીલ કરવાનું નક્કી કર્યું હતું.
આ તે જ બિલ્ડિંગ છે જેમાં બોલીવુડ અભિનેતા સુનીલ શેટ્ટી (Suniel Shetty) તેમના પરિવાર સાથે રહે છે. બીએમસીના સહાયક કમિશનર પ્રશાંત ગાયકવાડે જણાવ્યું હતું કે સુનીલ શેટ્ટીનો આખો પરિવાર સુરક્ષિત છે. તેમના પરિવારમાં કોઈને પણ કોરોના વાયરસ નથી.
પ્રોટોકોલ મુજબ, જો કોઈ બિલ્ડિંગમાંથી કોવિડ 19ના પાંચ સક્રિય કેસ મળી આવે છે તો તે બીએમસી દ્વારા સીલ કરવામાં આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સુનિલ શેટ્ટી જ્યાં રહે છે તે મકાનમાં કોવિડ -19ના પાંચથી વધુ સક્રિય કેસ મળી આવ્યા, ત્યારબાદ આ બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવી છે. આ બિલ્ડિંગમાં 30 માળ છે, જેમાં લગભગ 120 ફ્લેટ છે. આ બિલ્ડિંગ મુંબઈના ડી-વાર્ડ હેઠળ આવે છે.
10 રહેણાંક ઈમારત સીલ
હાલમાં મુંબઈના ડી-વાર્ડમાં આશરે 10 રહેણાંક ઈમારતો સીલ કરી દેવામાં આવી છે. આ ક્ષેત્રમાં માલાબાર હિલ અને પેડર રોડ સામેલ છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો કહેર થંભવાનું નામ નથી લઈ રહ્યો. મુંબઈની વાત કરીએ તો સોમવારે અહીં કોવિડના નવા 555 કેસ નોંધાયા હતા, જ્યારે 15 લોકોના મોત નીપજ્યાં હતા. આ નવા કેસો પછી હવે મુંબઈમાં કોવિડ દર્દીઓની સંખ્યા સાત લાખને વટાવી ગઈ છે, જ્યારે મૃત્યુઆંક 15 હજારથી ઉપર છે.
કોરોનાની પ્રથમ અને બીજી લહેરથી ભારતના લોકો હજી બહાર આવ્યા નથી કે હવે ત્રીજી લહેર આવવાની તૈયારીમાં છે. નિષ્ણાતો માને છે કે કોરોના વાયરસની ત્રીજી લહેર ટૂંક સમયમાં દેશમાં આવી શકે છે, જે આ વખતે બાળકો માટે જીવલેણ સાબિત થશે. વૃદ્ધો અને યુવાનો વેક્સિન લગાવી રહ્યા છે, જેના કારણે આ ત્રીજી લહેરની અસર તેમના પર ઓછી દેખાશે. આવી સ્થિતિમાં તે બાળકોને લક્ષ્યાંક બનાવશે, કારણ કે બાળકોની ઈમ્યૂનિટી પણ ઓછી હોય છે અને તેમના માટે વેક્સિન એપ્રૂવલ નથી મળ્યું.
આ પણ વાંચો: UP: એટીએસને મળ્યા આતંકીઓ પાસેથી રામમંદિર, મથુરા અને કાશીના નકશા,ગેરેજ માલિક શાહિદની પત્નીએ કહી આ વાત