Panchayat Season 5 Release Date: 3 ડિસેમ્બરે ખુલશે ફુલેરાનું નવું રહસ્ય! બનરાકસના હાથમાં સત્તા, હવે શું કરશે સેક્રેટરી જી?

લોકપ્રિય વેબ સિરીઝ 'પંચાયત'ની પાંચમી સીઝન 3 ડિસેમ્બર, 2026ના રોજ પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે. ફુલેરા ગામમાં બનરાકસ નવા મુખી બનતા રાજકારણમાં નવો વળાંક આવશે.

Panchayat Season 5 Release Date: 3 ડિસેમ્બરે ખુલશે ફુલેરાનું નવું રહસ્ય! બનરાકસના હાથમાં સત્તા, હવે શું કરશે સેક્રેટરી જી?
| Updated on: Nov 18, 2026 | 4:25 PM

Panchayat Season 5 Release Date: OTT પ્લેટફોર્મ પર દર્શકોની લોકપ્રિય વેબ સિરીઝમાંની એક ‘પંચાયત’ની પાંચમી સીઝનને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમયથી નવી સીઝનની રાહ જોઈ રહેલા ચાહકો માટે ખુશખબર છે. જીતેન્દ્ર કુમાર અને નીના ગુપ્તા અભિનીત આ સિરીઝની નવી સીઝન 3 ડિસેમ્બર, 2026ના રોજ પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે. સેક્રેટરી જી અને ફુલેરા ગામના અન્ય પાત્રો ફરી એકવાર દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. આ સિરીઝનું પ્રીમિયર ભારત સહિત વિશ્વના 240થી વધુ દેશો અને પ્રદેશોમાં કરવામાં આવશે.

સીઝન 5માં ફુલેરાની રાજનીતિમાં આવશે નવો વળાંક

‘પંચાયત સીઝન 5’માં આ વખતે ફુલેરા ગામની રાજનીતિ વધુ રસપ્રદ બનવાની છે. ગામમાં સત્તા પરિવર્તન બાદ બનરાકસ એટલે કે દુર્ગેશ કુમાર હવે નવા મુખી તરીકે જોવા મળશે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે મુખી બન્યા બાદ બનરાકસ ગામના વિકાસ માટે કેવાં પગલાં લેશે? શું તે ફુલેરાની તસવીર બદલવામાં સફળ થશે કે પછી તેના મોટા-મોટા વાયદાઓ માત્ર વાતો બનીને રહી જશે? સત્તા બદલાયા બાદ ગામમાં નવી રાજકીય ખેંચતાણ, બદલાતા સંબંધો, હળવી રમૂજ અને ભાવનાત્મક પ્રસંગો જોવા મળે તેવી શક્યતા છે.

જૂના કલાકારો ફરી પોતાના જાણીતા પાત્રોમાં જોવા મળશે

ધ વાયરલ ફીવરના બેનર હેઠળ બનેલી આ સિરીઝનું દિગ્દર્શન ફરી એકવાર દીપક કુમાર મિશ્રાએ કર્યું છે. જ્યારે દીપક કુમાર મિશ્રા, ચંદન કુમાર અને અરુણાભ કુમારે તેનું નિર્માણ કર્યું છે. નવી સીઝનમાં જીતેન્દ્ર કુમાર, રઘુબીર યાદવ, નીના ગુપ્તા, સુનિતા રાજવાર, ફૈઝલ મલિક, ચંદન રોય, સાન્વિકા, દુર્ગેશ કુમાર અને અશોક પાઠક સહિતના જાણીતા કલાકારો ફરી એકવાર તેમની લોકપ્રિય ભૂમિકાઓમાં જોવા મળશે.

કુંભકર્ણના પાત્ર બાદ ફરી જોવા મળશે ‘પ્રહલાદ ચા’

આ સીઝનમાં અભિનેતા ફૈઝલ મલિક ફરી એકવાર પોતાના લોકપ્રિય પાત્ર ‘પ્રહલાદ ચા’ તરીકે દર્શકોનું મનોરંજન કરશે. ખાસ વાત એ છે કે ફૈઝલ મલિક તાજેતરમાં નિતેશ તિવારીની ભવ્ય ફિલ્મ ‘રામાયણ’માં કુંભકર્ણની ભૂમિકાને લઈને પણ ચર્ચામાં રહ્યા હતા. હવે કુંભકર્ણના પાત્ર બાદ દર્શકો તેમને ફરી એકવાર ‘પ્રહલાદ ચા’ના સાદગીભર્યા અને ભાવનાત્મક અંદાજમાં જોવા માટે ઉત્સુક છે.

સરળ વાર્તા અને પાત્રોના કારણે આજે પણ દર્શકોની પહેલી પસંદ

આજના સમયમાં મોટાભાગની OTT સિરીઝમાં ક્રાઇમ, સસ્પેન્સ અને એક્શનને વધુ મહત્વ આપવામાં આવે છે. જોકે, ‘પંચાયત’ તેની સાદગી, ગામડાની જીવનશૈલી અને રોજિંદા જીવન સાથે જોડાયેલી નાની-નાની ઘટનાઓને કારણે અલગ ઓળખ ધરાવે છે. આ સિરીઝમાં ક્યારેક રમૂજી પ્રસંગો દર્શકોને હસાવે છે, તો ક્યારેક ભાવનાત્મક દૃશ્યો આંખોમાં આંસુ લાવી દે છે.

પરિવાર સાથે બેસીને માણી શકાય તેવી આ સિરીઝને દર્શકો તરફથી સતત પ્રેમ મળ્યો છે. તેની રસપ્રદ વાર્તા અને યાદગાર પાત્રોના કારણે ‘પંચાયત’ પાંચમી સીઝન સુધી પહોંચી છે. હવે 3 ડિસેમ્બરે સેક્રેટરી જી અને ફુલેરાના રહેવાસીઓની નવી સફર શરૂ થશે. ત્યારે જોવાનું એ રહેશે કે નવા મુખી બનરાકસના આગમનથી ફુલેરામાં ખરેખર પરિવર્તન આવશે કે નહીં.

અમદાવાદના દિલજીત દોસાંઝના શોની મંજુરી પહેલાં જ તંત્રની કામગીરીને લઈ સવાલ , જુઓ વીડિયો

Published On - 4:25 pm, Wed, 18 November 26

Follow Us
Loading...
Unable to load recommendations.