સ્કેમ 1992 બાદ પ્રતિક ગાંધી (Pratik Gandhi) નેશનલ સ્ટાર બની ગયા છે. આ બાદ તેમની ફિલ્મ કે જેની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી તેનું ટ્રેલર રિલીઝ થયું હતું. આ ફિલ્મનું નામ હતું રાવણ લીલા (Ravan Leela). ટ્રેલરને ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો હતો. લોન્ચ થયાના ત્રણ દિવસમાં ટ્રેલર 10 મિલિયન વ્યુઝને ક્રોસ કરીને હીટ થઇ રહ્યું હતું. આ વચ્ચે ચોંકાવનારા અહેવાલ આવ્યા છે કે પ્રતિકની આ ફિલ્મનું નામ બદલીને ‘ભવાઈ’ (Bhavai) કરી દેવામાં આવ્યું છે. જી હા આ બાબતે મેકર્સે ઓફિશિયલ રીતે જાહેરાત પણ કરી છે અને ફિલ્મના અભિનેતા પ્રતીકે પણ પોસ્ટ શેર કરી છે.
ફિલ્મના નિર્માતાઓએ હવે એક નિવેદન જાહેર કરીને કરી કહ્યું છે કે રાવણ લીલાનું શીર્ષક હવે ‘ભવાઈ’ (Bhavai) હશે. ફિલ્મના મેકર્સે આ માટે કારણ આપ્યું છે કે ‘પ્રેક્ષકો તરફથી વિનંતીઓ પ્રાપ્ત કર્યા પછી અને તેમની ભાવનાઓનો આદર કર્યા પછી આ પગલું લેવામાં આવ્યું છે.’ તમને જણાવી દઈએ કે આ ફિલ્મના ટાઈટલને લઈને અમુક લોકોએ પ્રશ્નો ઉઠાવ્યા હતા. હવે લાગી રહ્યું છે કે આ વિવાદ વધે નહીં તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રતિક ગાંધીએ પણ આ વિશે પોસ્ટ શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું છે કે ‘મારા માટે, દરેક વાર્તા કે જેનો હું ભાગ છું તે તમારા હૃદય સાથે જોડાવાનો રસ્તો છે અને કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવા નથી! અમે એક ટીમ તરીકે સામૂહિક રીતે અમારી ફિલ્મનું નામ બદલીને #BHAVAI કરવાનું નક્કી કર્યું છે. ટૂંક સમયમાં રજૂ થશે. 1 ઓક્ટોબરે થિયેટરોમાં તમારા મિત્રો અને પરિવાર સાથે મળીશું!’
ફિલ્મના દિગ્દર્શક હાર્દિક ગજ્જરે જણાવ્યું હતું કે, “અમારા ભાગીદારો અને દર્શકોનું સન્માન કરતા મને ખુશી છે. અત્યાર સુધી અમને આ ફિલ્મ માટે જે પ્રેમ મળ્યો છે તેના પરથી લાગે છે કે સિનેમા માટે સારી ફિલ્મો એ સમય ની જરૂરીયાત છે. સિનેમા લોકોને મનોરંજન પૂરું પાડે છે. દર્શકોએ પ્રતિક અને તેના કામ માટે પ્રેમ દર્શાવ્યો છે અને અમને આશા છે કે આ ફિલ્મ તેને આગળ લઇ જશે.
આ ફિલ્મમાં પ્રતીક ગાંધી, ઈન્દ્રીતા રે, રાજેન્દ્ર ગુપ્તા, રાજેશ શર્મા અને અભિમન્યુ સિંહ જેવા કલાકારો જોવા મળવાના છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ કે જેનું પહેલા રાવણ લીલા નામ હતું અને હવે ‘ભવાઈ’ નામ છે. તે ઓક્ટોબર મહિનામાં પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવા માટે તૈયાર છે. આ ફિલ્મ 1 ઓક્ટોબર 2021 ના રોજ થિયેટરમાં રિલીઝ થશે.
આ પણ વાંચો: Big News: વિવાદો વચ્ચે શિલ્પા શેટ્ટી કરશે નવી શરૂઆત, OTT પર ધૂમ મચાવવા તૈયાર અભિનેત્રી
Published On - 10:42 am, Tue, 14 September 21