‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મે કરી રૂ. 200 કરોડની જંગી કમાણી, બોક્સ ઓફિસ પર સ્થાપિત કર્યા અનેક નવા રેકોર્ડ્સ

તાજેતરમાં રિલીઝ થયેલી બોલીવુડની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' અનેક ફિલ્મોના જુના રેકોર્ડ્સ તોડવામાં સફળ રહી છે. અત્યારે બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ખુબ ધૂમ મચાવી રહી છે, અને લોકોનો થિયેટર તરફ આ ફિલ્મ જોવા માટે અભુતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે.

ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મે કરી રૂ. 200 કરોડની જંગી કમાણી, બોક્સ ઓફિસ પર સ્થાપિત કર્યા અનેક નવા રેકોર્ડ્સ
'The Kashmir Files' Film Official Poster
| Edited By: | Updated on: Mar 24, 2022 | 9:16 PM

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા (National Award Winner) ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીની (Vivek Agnihotri) તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ (The Kashmir Files) બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડી રહી છે. આ ફિલ્મ ગત તા. 11/03/2022ના રોજ રીલિઝ થઈ હતી. આ ફિલ્મ રિલીઝના પહેલા દિવસે જ સારી કમાણી કરવામાં સફળ રહી હતી. અત્યારે આ ફિલ્મ રૂ. 200 કરોડનો આંકડો પાર કરવામાં સફળ રહી છે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ આ વર્ષ 2022માં બોક્સ ઓફિસ પર ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડવામાં સફળ રહી છે. આ ફિલ્મ અત્યારે લોકોમાં ખુબ જ ચર્ચા જગાવી રહી છે.

આજે (24/03/2022) જાણીતા બૉલીવુડ ફિલ્મ વિવેચક તરણ આદર્શે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’નું લેટેસ્ટ બોક્સ ઓફિસ કલેક્શન તેમના ટ્વીટર હેન્ડલ શેર કર્યું છે. આ ફિલ્મ માત્ર બે જ અઠવાડિયામાં અક્ષય કુમારની (Akshay Kumar) ફિલ્મ ‘સૂર્યવંશી’ના કલેક્શનને વટાવી ચુકી છે. ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અત્યારે પેન્ડેમિક એરામાં સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ભાષાની ફિલ્મ બની ચુકી છે.

 

 

જાણીતા ફિલ્મ ક્રિટીક્સ તરણ આદર્શે ટ્વીટર પર આ સમાચાર શેર કરતા લખ્યું છે કે, “#TheKashmirFiles ₹ 200 કરોડનો આંકડો પાર કરે છે…સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ..શુક્રવારે 19.15 કરોડ, શનિવારે 24.80 કરોડ, રવિવારે 26.20 કરોડ, સોમવારે 12.40 કરોડ, મંગળવારે 10.25 કરોડ, બુધવારે 10.03 કરોડ. કુલ કમાણી ₹ 200.13 કરોડ..”

આ ફિલ્મને દેશના ખૂણે ખૂણેથી પ્રશંસા મળી રહી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી (PM Modi) લઈને ગૃહમંત્રી અમિત શાહ સુધી, સુપરસ્ટાર આમિર ખાનથી લઈને અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) સુધી તમામ જાણીતી હસ્તીઓ આ ફિલ્મના ભરપૂર વખાણ કરી રહ્યા છે. આ ફિલ્મ પ્રેક્ષકો તરફથી મોટી માત્રામાં સકારાત્મક પ્રતિસાદ મેળવી રહી છે. આ ફિલ્મમાં વર્ષ 1990માં કાશ્મીરી પંડિતોની દુર્દશાને સચોટ રીતે દર્શાવી છે. આ ફિલ્મ જોયા બાદ અનેક લોકોની આંખો ખુલી રહી છે, અને તેઓ સમજી રહ્યા છે કે શા માટે કાશ્મીર ઘાટીમાં જે-તે સમયે બળવો થયો હતો.

આ ફિલ્મમાં અનુપમ ખેર (Anupam Kher), પલ્લવી જોશી, મિથુન ચક્રવર્તી અને દર્શન કુમાર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મે સફળતાના અનેક નવા બેન્ચમાર્ક સ્થાપિત કર્યા છે. આ ફિલ્મ ભારતીય સિનેમા માટે ખરેખર એક કેસ સ્ટડી છે, કારણ કે તે સાબિત કરે છે કે કોઈ સુપરસ્ટારના મૂલ્ય કરતાં ફિલ્મની પટકથા અને કન્ટેન્ટ જ બોલીવુડમાં ‘કિંગ’ ગણાય છે.

ગત તા. 18/03/2022ના રોજ રીલિઝ થયેલી અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘બચ્ચન પાંડેના બોક્સ ઓફિસ વ્યવસાયને ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’એ અસર કરી છે. અમે તમને જણાવી દઈએ કે, ઓરિસ્સામાં એક ટોળું થિયેટરમાં ઘુસી ગયું હતું અને અક્ષય કુમારની ફિલ્મ  ‘બચ્ચન પાંડે’ને બળજબરીથી અટકાવી હતી, અને તેના બદલે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મને સ્ક્રીન પર દર્શાવવાની માંગ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ‘બાહુબલી’ ફેમ અભિનેતા પ્રભાસની (Prabhas) ફિલ્મ ‘રાધે શ્યામ’ના બિઝનેસ પર પણ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મથી માઠી અસર પડી છે. કાશ્મીરી પંડિતોની આ દુઃખપૂર્ણ પટકથાએ અનેક દર્શકોની આંખોમાં આંસુ લાવ્યા છે. આ સેન્ટિમેન્ટલ ફેકટરથી ફિલ્મને બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરવામાં ઘણી મદદ મળી છે.

 

આ પણ વાંચો – શું The Kashmir Filesની કમાણી દાન કરવામાં આવશે? જાણો એક IASના પ્રશ્નનો વિવેક અગ્નિહોત્રીએ શું આપ્યો જવાબ

 

 

Published On - 8:09 pm, Thu, 24 March 22