ટીવી એક્ટ્રેસ તુનિષા શર્મા સુસાઈડ કેસમાં સતત સુનાવણીની પ્રક્રિયા ચાલી રહી છે. મહારાષ્ટ્રની વસઈ કોર્ટે તુનીષા સુસાઈડ કેસમાં આજે એટલે કે શનિવારે શીઝાન ખાનને 14 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. શીઝાનની પોલીસ કસ્ટડીનો આજે અંત આવ્યો હતો. જે બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે 28 વર્ષીય એક્ટરને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો ચુકાદો આપ્યો હતો.
મળતી માહિતી મુજબ પોલીસે શુક્રવારે કોર્ટમાં શીઝાનના પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. પોલીસ અધિકારીઓએ શીઝાન પર અન્ય યુવતી સાથે સંબંધ હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. એક્ટરે તુનિષા સાથેની તેની તમામ ચેટ્સ ડિલીટ કરી નાખી હતી. પોલીસે શીઝાન પર તપાસમાં સહકાર ન આપવાનો આરોપ પણ લગાવ્યો હતો.
Tunisha death: Vasai Court sends accused Sheezan Khan to 14-day judicial custody
Read @ANI Story | https://t.co/qblKfDX91z#TunishaSharma #TunishaSharmaDeath #SheezanKhan pic.twitter.com/NsSNMOJJZ8
— ANI Digital (@ani_digital) December 31, 2022
શીઝાનને હવે 14 દિવસ જેલમાં પસાર કરવા પડશે. તુનિષા શર્માના વકીલ તરુણ શર્માના જણાવ્યા મુજબ કોર્ટે શીઝાનને દવાઓ લેવા અને ઘરે બનાવેલું ભોજન ખાવાની મંજૂરી આપી છે. 2 જાન્યુઆરી સુધી શીઝાન પોતાના વાળ કાપી શકશે નહીં. જેલ મેન્યુઅલ મુજબ શીઝાનના વકીલ અને ફેમિલી તેને મળી શકે છે. આ સાથે જ જેલમાં તેની સુરક્ષા જેલ મેન્યુઅલ પ્રમાણે રહેશે.
તુનીષાના મોત બાદ શંકાની સોય સતત શીઝાન ખાન પર છે. તમને જણાવી દઈએ કે શીઝાન અને તુનીષા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંને ટીવી શો અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલમાં સાથે કામ કરતા હતા. એક્ટ્રેસે આ મોટું પગલું ભર્યાના એક અઠવાડિયા પહેલા જ બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. તુનીષાની માતાનું કહેવું છે કે એક અઠવાડિયા પહેલા શીઝાન અને તુનીષા વચ્ચે ઝઘડો થયો હતો. પરંતુ અત્યાર સુધી શીઝાને ઝઘડાનું કારણ જાહેર કર્યું નથી.
24 ડિસેમ્બરે તુનિષાએ સિરિયલના સેટ પર મેક-અપ રૂમમાં આત્મહત્યા કરી હતી. 25 ડિસેમ્બરે એક્ટ્રેસની માતા વનિતા શર્માએ શીઝાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. એક્ટ્રેસની માતાએ એક્ટર પર તેની પુત્રીને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 27 લોકોના નિવેદન નોંધ્યા છે. જેમાં કેટલાક એક્ટ્રેસના પરિવારના સભ્યો છે તો કેટલાક શોમાં તેની સાથે કામ કરતા લોકો છે.