છેલ્લા 30 વર્ષથી ઝી ટીવી ભારતીય યુવાનોને તેમની ગાયકી, નૃત્ય અને અભિનયનું ટેલેન્ટ દર્શાવવા માટે ગ્લોબલ પ્લેટફોર્મ પૂરું પાડે છે. જ્યારે આ ચેનલના સૌથી પ્રતિષ્ઠિત ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’એ વર્ષ 2009માં તેની શરૂઆત કરી, ત્યારે તેણે દેશમાં ડાન્સની નવી ક્રાંતિ લાવી. છેલ્લા 13 વર્ષમાં આ શોએ ભારતના ડાન્સ પ્રત્યેનો સાચો જુસ્સો દર્શાવ્યો છે. કેટલાક મનમોહક ટીઝર્સ દ્વારા તેના દર્શકોને આ વર્ષની અદભૂત ટેલેન્ટની ઝલક આપ્યા પછી ઝી ટીવીએ તાજેતરમાં દેશની સૌથી યુવા ડાન્સ ટેલેન્ટને શોધવા માટે તેનો ટોપ-રેટેડ રિયાલિટી શો ‘DID લિટલ માસ્ટર્સ સિઝન 5’ની (DID Little Masters Season 5) શરૂઆત થઈ ગઈ છે. આ વખતે આગામી એપિસોડમાં સ્પર્ધકો ‘મધર્સ ડે સ્પેશિયલ’ (Mothers Day Special) પર તેમનું પરર્ફોમન્સ આપશે. આ પ્રસંગે સોનાલી બેન્દ્રે (Sonali Bendre) તેની માતાને યાદ કરીને ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી.
આ શો શરૂ થયો ત્યારથી પ્રેક્ષકો દર અઠવાડિયે યુવા ડાન્સિગ ટેલેન્ટના આકર્ષક પરર્ફોમન્સનો આનંદ માણી રહ્યા છે. આ રવિવારે પણ પ્રેક્ષકોને એક ખાસ ટ્રીટ મળશે, જ્યાં તમામ નિર્ણાયકો ‘મધર્સ ડે સ્પેશિયલ’ એપિસોડ માટે કેટલાક મનોહર પરર્ફોમન્સ રજૂ કરશે. શૂટ દરમિયાન, જ્યારે નિર્ણાયકોએ અપ્પન અને આધ્યાશ્રીની માતાઓને શોમાં આમંત્રિત કરીને બંને સ્પર્ધકોને આશ્ચર્યચકિત કર્યા, ત્યારે સોનાલી બેન્દ્રેને પણ એક ખાસ ભેટ મળી, જેણે તેણીને ભાવુક બનાવી દીધી. મધર્સ ડેના ખાસ અવસર પર સોનાલી બેન્દ્રેની માતાએ વર્ચ્યુઅલ કૉલ દ્વારા શોમાં તેની પ્રથમ રજૂઆત કરી. આ જોઈને સોનાલીનું દિલ ભરાઈ આવ્યું અને તેણે કહ્યું કે કેવી રીતે તેની માતા તેની સૌથી મોટી સપોર્ટ સિસ્ટમ છે અને તે આ પહેલા ક્યારેય કોઈ શો કે કોઈ સેટ પર ગઈ નથી. આવી સ્થિતિમાં સોનાલી માટે આ સૌથી મોટું સરપ્રાઈઝ હતું.
સોનાલી બેન્દ્રેએ કહ્યું કે મને એ વિચારીને ખૂબ જ આશ્ચર્ય થાય છે કે તમે લોકોએ મારી મમ્મીને આ બધું કરવા માટે કેવી રીતે સમજાવ્યું. તે પહેલાં ક્યારેય કોઈ શોમાં નથી ગઈ કે મારી સાથે કોઈ સેટ પર આવી નથી. તેણી હંમેશા માને છે કે જીવનમાં આત્મનિર્ભર બનવું સૌથી મહત્વપૂર્ણ છે અને આ તે મને બાળપણથી શીખવ્યું છે. મને યાદ છે કે જ્યારે હું નાની હતી, ત્યારે હું મારી માતાને સેટ પર મારી સાથે આવવા કહેતી હતી કારણ કે દરેકની માતાઓ ત્યાં હતી. પરંતુ મારી માતાએ મને એક વાત કહી જે મને હજુ પણ યાદ છે. તેણે કહ્યું હતું કે હું કામ માટે ઓફિસ જઉં તો તને મારી સાથે લઈ જઈશ? તેમના માટે મારો સેટ માત્ર એક ઓફિસ છે, જ્યાં હું કામ પર જઉં છું અને ત્યાંથી પાછી આવું છું.
સોનાલીએ વધુમાં કહ્યું કે, હું મારી માતા અને મારા સંબંધોનું વર્ણન કરી શકતી નથી. આ સંબંધની ખરેખર કોઈ વ્યાખ્યા નથી, પરંતુ મારી સફરમાં તે મારો સૌથી મોટો સહારો રહી છે. માત્ર મારી માતાએ જ નહીં પણ ગોલ્ડીની માતાએ પણ મને ખૂબ સપોર્ટ કર્યો. હું કહેવા માંગુ છું કે મારી માતા હંમેશા મને ફરિયાદ કરે છે કે હું મારા પિતાને તેમના કરતા વધુ પ્રેમ કરું છું, પરંતુ આ સાચું નથી. મને ખુશી છે કે તેણી તેના માટે સંમત થઈ કારણ કે તેણીએ આટલા વર્ષોમાં ક્યારેય કેમેરાનો સામનો કર્યો નથી.